રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ના વિવાદિત નિવેદન બાદ લગભગ 15 દિવસ વીતી ચૂક્યા છે અને ના તો ભાજપ ન તો ક્ષત્રિય સમાજ નમતું જોખવા તૈયાર છે. રૂપાલા એ કરેલા વાણી વિલાસ ને કારણે ક્ષત્રિયોનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર રૂપાલાની સામે વિરોધ પ્રદર્શન જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે. ક્ષત્રિયોની એક જ માંગ છે કે, રાજકોટ બેઠક પરથી ઉમેદવાર બદલીને પુરુષોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે.
રૂપાલાની ટિકિટ રદ્દ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે નેતા હોય ગામમાં પ્રવેશ કરવો નહીં. તેવા પોસ્ટર્સ રાજકોટ સહિત ઘણા વિસ્તારોમાં લાગેલા જોવા મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજનો આ વિરોધ માત્ર રાજકોટ પૂરતો સીમિત નથી રહ્યો. પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજના લોકો રહે છે તે તમામ જગ્યાએ વિરોધનો વંટોળ ઊભો થયો છે. ગત મોડી રાત્રે વડોદરાના ડભોઇ ખાતે સાઠોદ ગામમાં ભાજપના કાર્યકર્તાઓની પ્રવેશ બંધી અંગેના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટ પણે લખ્યું છે કે, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ પણ ભાજપના કાર્યકર કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં.
ઉલ્લેખનીય છે કે 23 માર્ચના રોજ એક કાર્યક્રમમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વિવાદિત નિવેદન કર્યું હતું. જેને લઈને આ સમગ્ર મામલો ઊભો થયો છે. જોકે ત્યારબાદ ક્ષત્રિયોનો રોષ જોતા રૂપાલાએ જાહેર મંચ પરથી તેમ જ વિડીયો બનાવીને પણ સમાજની માફી માંગી છે. પરંતુ ક્ષત્રિય સમાજ ટસ નો મસ થતો નથી. તેઓ માત્ર ને માત્ર એક જ માંગ પર અડગ છે કે, રૂપાલાને હટાવવામાં આવે અને નવો ઉમેદવાર મુકવામાં આવે તો ક્ષત્રિયો ભાજપને સમર્થન આપી જીતાડશે અથવા તો ભાજપને નુકશાન ભોગાવવા તૈયાર રેહવું પડશે તેવો હુંકાર ક્ષત્રિયો દ્વારા કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી ક્ષત્રિયોનું આંદોલન વેગ પકડી રહ્યું છે. ઠેર ઠેર જાહેરસભાઓ અને રેલીઓ યોજવામાં આવી રહી છે. આ તમામ વિવાદ વચ્ચે રૂપાલા એક દિવસ દિલ્હી પણ જઈ આવ્યા હતા. ત્યારે લોકોને એમ હતું કે રૂપાલા આવીને કંઈક જાહેરાત કરશે અથવા ઉમેદવારી પાછી ખેચશે. પરંતુ દિલ્હીથી આવતા જ રૂપાલાની બોલ્ડી લેન્ગવેજ બદલાઈ હતી અને મીડિયાને પણ વિવાદ વાળા મુદ્દે કઈ પણ કેહવા કે પૂછવાનું ટાળ્યું હતું. ત્યારબાદ ક્ષત્રિયો વધુ રોષે ભરાયા હતા કે, આટલા વિરોધ છતાં રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા પર ભાજપ સંમતિ નથી આપી રહ્યું. ત્યારે વિવાદ વધુ ઉગ્ર બન્યો અને ક્ષત્રાણીઓ દ્વારા જૌહર કરવાની પણ જાહેરાત કરાઈ હતી. જોકે જૌહર તો ના થયું પણ વિરોધ વધુ ને વધુ ઉગ્ર બનવા લાગ્યો છે.
આ તમામ વિવાદ વિરોધ વચ્ચે રુપાલાનો ઝંઝાવાતી પ્રચાર તો ચાલુ જ છે. તેમાં પણ તેઓ સ્ટાર પ્રચારક તરીકે અન્ય બેઠકના ઉમેદવારો માટે પણ પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. તેમને હવે તો જાહેરાત પણ કરી દીધી છે કે, આગામી તારીખ 16 એપ્રિલના રોજ તેઓ સવારે 10:30 વાગ્યે બહુમાળી ભવન ચોક ખાતે જંગી જાહેરસભાને સંબોધશે અને ત્યાર બાદ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રક ભરવા જશે.
સમગ્ર માહોલ જોતા લાગી રહ્યું છે કે, આખો મામલો હવે માત્ર રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય ઘટીને ભાજપ વિરુદ્ધ જઈ રહ્યો છે. એક તરફ ભાજપનું મોવડી મંડળ રૂપાલાને રાજકોટથી ચૂંટણી લડાવવા મક્કમ છે તો બીજી તરફ ક્ષત્રિયો રૂપાલાને હટાવવા માટે મક્કમ છે. કારણે કે જે પ્રમાણે ક્ષત્રિયો પોતાનું વર્ચસ્વ અને સમાજની બહેન દીકરીઓ માટે આન-બાન-શાનની લડાઈ લડવા મેદાને પડ્યા છે. તે જોતા આગામી સમયમાં ચોક્કસ કંઈક નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
રૂપાલા એ તો જાહેરાત કરી દીધી છે કે તેઓ 16 તારીખે ફોર્મ ભરવા જશે એટલે એ નક્કી થયું કે ભાજપ હવે પીછેહઠ નહીં કરે. તો હવે આગામી દિવસોમાં જોવાનું એ રહેશે કે ક્ષત્રિય સમાજ કેવી લડત આપે છે અને રૂપાલા સામે હજુ કેવા મોરચા માંડે છે. ક્ષત્રિયો ની હઠ ભાજપને ઝુકાવશે ?
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login