વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પહેલી મે ના રોજ થી બે દિવસ માટે ગુજરાતમાં તેમનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે. આવતીકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચશે ત્યારબાદના તેમના કાર્યક્રમો નક્કી કરી દેવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર માં જામનગર વઢવાણ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વડાપ્રધાનની રેલી તેમજ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હાલ ગુજરાતની વાત કરીએ તો છેલ્લા દોઢ મહિનાથી પુરુષોત્તમ રૂપાલા ના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને રૂપાલા ની સાથે સાથે ભાજપ સામે પણ મોરચો ખોલીને બેઠો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના કોઈપણ નેતાના કાર્યક્રમોમાં અલગ અલગ જગ્યાએ વિરોધ નોંધાવાઇ રહ્યો છે.
હવે આવતીકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે તેમની જાહેર સભા કે રેલી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને કે તેમની સુરક્ષામાં કે અન્ય કારણોસર કોઈ ચુક ન રહી જાય તે માટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત ગુજરાતના એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારીઓને જેવા કે અભય ચુડાસમા, સુભાષ ત્રિવેદી અને રાજકુમાર પાંડીયન જેવા આલા અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ ને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સરકાર કે પોલીસ વિભાગ કોઈપણ ચૂક ન રહી જાય તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી રહી છે.
ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાયના જણાવ્યા અનુસાર, આ માત્ર નિયમ પ્રમાણે વડાપ્રધાન ની સુરક્ષા માટે અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. જેમાં વાત કરીએ તો જૂનાગઢમાં સુભાષ ત્રિવેદી, સુરેન્દ્રનગરમાં અભય ચુડાસમા અને જામનગરમાં રાજકુમાર પાંડીય ને જવાબદારી સોંપવામાં આવી છે. તો બીજી તરફ વાત કરીએ પાટણ અને બનાસકાંઠાની તો વડાપ્રધાન ની સભા દરમિયાન અત્યારથી જ કેટલાક આઇપીએસ અધિકારીઓને ત્યાંની સુરક્ષાની જવાબદારી સોંપી દેવામાં આવી છે.
જોકે ક્ષત્રિય સમાજ દ્વારા વડાપ્રધાનનો કોઈ વિરોધ કરવામાં નહીં આવે તેવું પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ક્ષત્રિય સમાજ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળે વિરોધ કરવામાં નહીં આવે. પરંતુ અન્ય કેટલાક ટીખળખોરો સમાજના નામે વિરોધ ન કરી જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ કાંકરી ચાળો કે વિરોધ થાય તેવું હાલના તબક્કે તો લાગી નથી રહ્યું પરંતુ વડાપ્રધાન ગુજરાતની ધરતી પર આવે ત્યારબાદ બે દિવસના તેમના ચૂંટણી પ્રવાસમાં ક્ષત્રિય સમાજ નહીં પરંતુ કોઈ અન્ય લોકો આ તકનો લાભ લઈને વિરોધ પ્રદર્શન કરે તો નવાઈ નહીં.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login