ADVERTISEMENTs

ક્ષત્રિયો અને રૂપાલાના વિવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન

રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિયો ના વિવાદને લઈ ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે રૂપાલા એ દિલથી માફી માંગી લીધી છે.

સાણંદ ખાતે રોડ શો દરમ્યાન અમિત શાહ / X / @BJP4Gujarat

22 માર્ચના રોજ વાલ્મિકી સમાજના કાર્યક્રમ માં રૂપાલા દ્વારા આપવામાં આવેલ નિવેદનને પગલે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો અને જોતજોતામાં આ રોષ એ મોટા આંદોલનનું સ્વરૂપ લઇ લીધું છે. ક્ષત્રિયો રાજકોટ બેઠકથી રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપના અગ્રણી નેતાઓ આ વિવાદને ઠારવાનો અને ક્ષત્રિય સમાજ ને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિવાદ થયા બાદ રૂપાલાએ જાહેર મંચ પરથી તેમજ વિડીયો માધ્યમથી પણ ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી હતી. પરંતુ સમાજ નમતું મુકવા તૈયાર નથી.

થોડા દિવસ અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી તેમજ ગૃહરાજ્ય મંત્રી સાથે પણ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. પરંતુ તેમાં પણ કોઈ નિવેડો આવ્યો ન હતો. આ તમામ વિવાદો વચ્ચે રૂપાલાએ પણ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા અલ્ટીમેટમ અપાયું છે કે 19 તારીખ સુધી રૂપાલા ફોર્મ પાછું નહીં ખેંચે તો રૂપાલા પાર્ટ 2 થશે. ગઈકાલે પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા ત્યારે મોડીરાત્રે તેમના નિવાસસ્થાને ભુપેન્દ્ર પટેલ, સી આર પાટીલ અને હર્ષ સંઘવી સહિતના નેતાઓ સાથે બેઠક યોજી હતી.

આજરોજ અમિત શાહે પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર ના શ્રી ગણેશ કર્યા હતા અને સાણંદ ખાતે રોડ શો કર્યો હતો. આ દરમ્યાન એક ટીવી ચેનલને રૂપાલા વિવાદ બાબતે અમિત શાહે જણાવ્યું હતું કે, જાય સુધી ક્ષત્રિયોની નારાજગીની વાત છે ત્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાજી એ દિલથી માફી માંગી લીધી છે. ગુજરાતની 26માંથી 26 સીટ ગત ઈલેક્શન કરતા વધુની લીડથી ભાજપ જીતશે. દેશમાં દરેક જગ્યાએ આ વખતે 400 પારનો મૂડ બનાવી લીધો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ નિવેદનથી એ તો સ્પષ્ટ થઇ ગયું છે કે, હવે રૂપાલા કોઈપણ કાળે ઉમેદવારી પાછી નહીં ખેંચે. ભાજપે પણ મૂડ બનાવી લીધું છે કે જે થશે તે જોયું જશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related