દેશની 18મી લોકસભા ચૂંટણીમાં મતદાનનો પહેલો તબક્કો શરુ થઇ ગયો છે. ત્યારે આજે ગુજરાતમાં લોકસભા માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ગુજરાતમાં મતદાન ને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે છેલ્લા દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવારી નોંધાવી છે. આજે બપોરે વિજય મુહૂર્તમાં અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવવા કેન્દ્રીય ગૃહમંત્રી આવવાના હોવાને કારણે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, સાથે સાથે જ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રાખી પ્રોટોકોલ મુજબ ઘ-0 થી કલેકટર કચેરી સુધી પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. કલેકટર કચેરીની 100 મીટરની ત્રિજીયામાં તમામ વાહનો માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.
આજે ફોર્મ ભરતાં પેહલા ગઈકાલની વાત કરીયે તો અમિત શાહે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ સાણંદ વિધાનસભા વિસ્તારમાં મેગા રોડ શો કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. આ ઉપરાંત તેમણે તેમના મતવિસ્તારની અન્ય વિધાનસભા કલોલ ,સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા તમામ વિસ્તારોમાં રોડશો યોજ્યો હતો અને અંતે વેજલપુર વિધાનસભા વિસ્તારમાં જંગી જાહેરસભાને સંબોધી હતી.
જાહેર સભામાં સંબોધન દરમ્યાન તેમણે કહ્યું હતું કે, આગામી 7મી તારીખે મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં 26 એ 26 સીટ પર કમળ ખીલવવાના છે. આ વેજલપુર મારું પશ્ચિમ અમદાવાદનું નાકું છે અને તેને મજબૂત રાખવાનું છે. પોતાના સંબોધન દરમ્યાન મોદીનું નામ લેતા જ સભામાં મોદી મોદીના નારા લાગ્યા હતા. આ ઉપરાંત અમિત શાહે પોતાના સંબોધનમાં નક્સલવાદ, આતંકવાદ, કલમ 370, રામમંદિર, ટ્રિપલ તલાક, UCC તેમજ કોંગ્રેસના સફાયા અંગે પણ વાત કરી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login