કોરોના કાળ પૂરો થઇ ગયો છે, આર્થિક વ્યવસ્થાની ગાડી પણ પાટે ચઢી ગઈ છે આમ છતાં કર્મચારીઓની છટણી અટકવાનું નામ જ નથી લેતી. એક બાજુ ગૂગલ તેની સૌથી મોટી છટણીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે અમેરિકન એનર્જી ટેક્નોલોજી કંપની એન્ફેસે પણ તેના કર્મચારીઓમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
Enphase ના પ્રમુખ અને CEO ભારતીય મૂળના બદ્રી કોઠંડારામન છે. કંપનીની છટણીને કારણે લગભગ 350 કોન્ટ્રાક્ટર્સ અને કર્મચારીઓ ઉપર અસર થશે. બદ્રીના જણાવ્યા અનુસાર, આ પગલાનો હેતુ અમેરિકામાં બે સ્થળોએ અને અન્ય કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ પર કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ બંધ કરીને કોન્ટ્રેક્ટ સાઈટને સુવ્યવસ્થિત કરવાનો છે. સીઈઓ બદ્રીએ કર્મચારીઓને મેસેજ આપતા જણાવ્યું હતું કે અમે અમારા વૈશ્વિક કાર્યબળમાં અંદાજે 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 350 જેટલા કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓ ઉપર તેની અસર થશે. અમે 2024 સુધી અહીં મુલાકાતો અને મુસાફરી પર પણ પ્રતિબંધ લાદી રહ્યા છીએ. અન્ય ઘણા વિવેકાધીન ખર્ચાઓમાં પણ કાપ મૂકવામાં આવશે.
બદ્રીએ વધુમાં કહ્યું કે હું સમજું છું કે આ આપણા બધા માટે મુશ્કેલ નિર્ણય છે, ખાસ કરીને જ્યારે તે આપણા મૂલ્યવાન સાથીઓ અને મિત્રોને અસર કરે છે. અમે અમારાથી વિદાય લેતા સાથીદારો માટે સંપૂર્ણ આદર રાખીશું અને તેમની સાથે સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર કરીશું અને તેમને પેકેજ સાથે વિદાય આપીશું. આશા છે કે, તેઓ પણ આ બાબતમાં સહકાર આપશે.
એન્ફેસ મુખ્ય રીતે રહેણાંક ગ્રાહકો માટે સોલાર માઇક્રો-ઇનવર્ટર, બેટરી એનર્જી સ્ટોરેજ અને ઇવી ચાર્જિંગ સ્ટેશનના વિકાસ અને ઉત્પાદનમાં સામેલ છે. તેનું મુખ્ય મથક કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં છે. કંપનીએ 140થી વધુ દેશોમાં 25 લાખ સોલર સિસ્ટમ માટે 4.8 કરોડથી વધુ માઇક્રો-ઇનવર્ટર વેચ્યા છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login