ADVERTISEMENTs

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ગીતા સાંન્નિધ્ય’ વ્યાખ્યાન શ્રેણીનો સમાપન સમારોહ યોજાયો.

શ્રીમદ્‍ ભગવદ્‍ ગીતા એ કોઈ ધર્મ વિશેષ, સંપ્રદાય કે દર્શન વિશેષનો ગ્રંથ નથી, પણ વૈશ્વિક સ્વીકૃત્તિ પામેલો વિશ્વ ગ્રંથ, ભારતીય સંસ્કૃતિ અને તેની સમૃદ્ધ ચિંતન પરંપરાએ માત્ર ભારતને જ નહીં સમસ્ત વિશ્વને "જીવન-દર્શન'ની સમજ આપી છે. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનના માધ્યમથી મનુષ્યમાત્રને શ્રેષ્ઠ જીવન જીવવાનો ઉપદેશ આપે છે: રાજ્યપાલ

‘ગીતા સાંન્નિધ્ય’ વ્યાખ્યાન શ્રેણીનો સમાપન સમારોહ / માહિતી વિભાગ,ગુજરાત.

SRK નોલેજ ફાઉન્ડેશન-સુરત દ્વારા SRK ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સ અને નર્મદ યુનિવર્સિટીના સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે છેલ્લા એક વર્ષથી સતત બાવન સપ્તાહ સુધી અવિરતપણે ચાલતી ગીતા જ્ઞાન પીરસતી વ્યાખ્યાન માળાનો સમાપન સમારોહ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. 

સંજીવકુમાર ઓડિટોરિયમ, પાલ- અડાજણ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જીવનની કોઈ એવી સમસ્યા નથી, જેનું સમાધાન ગીતામાં ન હોય. જીવનમાં જ્યારે આપણે નિરાશ કે હતાશ થઈ જઈએ, ત્યારે નકારાત્મકતામાંથી બહાર લઈ આવવાનું કામ આ ગ્રંથ જ કરી શકે એમ છે. કર્મ, ભક્તિ અને જ્ઞાનનો સમન્વય એકદમ સરળ રીતે આ ગ્રંથ આપણને સમજાવે છે.            

ભારતીય સંસ્કૃતિ અને તેની સમૃદ્ધ ચિંતન પરંપરાએ માત્ર ભારતને જ નહીં સમસ્ત વિશ્વને "જીવન-દર્શન'ની સમજ આપી છે એમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, આદિ સૃષ્ટિનો મૂળ આધાર આપણા પ્રાચીન ચાર વેદો છે. દુનિયાભરની લાઈબ્રેરીઓમાં વેદોથી પુરાતન પુસ્તક અન્ય કોઈ નથી. વેદો, ઉપનિષદોની ભૂમિ ભારતના એક એક ઋષિઓ રિસર્ચ સ્કોલર હતાં, તેઓનું માનવજાતના ઉત્થાન માટે આપેલું પ્રદાન અનન્ય છે એમ જણાવી રિસર્ચ શબ્દ 'ઋષિ' શબ્દમાંથી ઉતરી આવ્યો હોવાનું ગૌરવથી જણાવ્યું હતું. 

‘ગીતા સાંન્નિધ્ય’ વ્યાખ્યાન શ્રેણીનો સમાપન સમારોહ / માહિતી વિભાગ, ગુજરાત.

શ્રીમદ્‍ ભગવદ્‍ ગીતા એ કોઈ ધર્મ વિશેષ, સંપ્રદાય વિશેષ કે પછી દર્શન વિશેષનો ગ્રંથ નથી પણ વૈશ્વિક સ્વીકૃત્તિ પામેલો વિશ્વ ગ્રંથ છે. દુનિયાની વૈશ્વિક સમસ્યાઓનું નિવારણ ગીતામાં રહેલું છે. માત્ર તેને આત્મસાત કરવાથી જીવન જીવવાનો સાર્થક માર્ગ મળી જશે. ગીતાનું અધ્યયન કરવાથી માત્ર ઉપનિષદોનું જ નહિ પરંતુ એ બધાંમાં જોવા મળતા દર્શનના નૈતિક તાત્પર્યનું અધ્યયન પણ થઈ જાય એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. 

ભારતીય સંસ્કૃતિ રામાયણ, મહાભારત અને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાની સંસ્કૃતિ છે એમ જણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ભગવાન કૃષ્ણનું આદર્શ અને સમર્પિત વ્યક્તિત્વ સમગ્ર માનવજાતિ માટે પ્રેરણારૂપ છે. ગીતામાં તેમના કર્મયોગનો સિદ્ધાંત 'કર્મ કરવું, ફળ મળશે કે નહીં તેની ચિંતા ના કરવી', 'કર્તવ્ય-પાલન વિના મોક્ષ મળતો નથી, જે કામ અત્યારે આપણને ઈશ્વરે સોંપ્યું છે, તેને પૂરે-પૂરી નિષ્ઠાથી નિભાવવા, વિષમ પરિસ્થિતિથી ભાગો નહીં, પણ તેનો સામનો કરવા માટેનું ચિંતન શ્રીકૃષ્ણ આપે છે, એ આધુનિક યુગમાં પણ પ્રસ્તુત છે. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્યમાત્રને શ્રેષ્ઠ જીવન જીવવાનો ઉપદેશ આપે છે.

મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગીતા એ જીવન પથ છે. ગીતાના એક એક શ્લોકમાં અદ્દભુત જ્ઞાન અને સભ્ય જીવન જીવવાની ચાવીઓ રહેલી છે. ગીતા જ્ઞાનને જીવનમાં ઉતારનાર વ્યક્તિ જીવનના મહાસાગરને તરી જાય છે અને વિકટ સ્થિતિનો મુકાબલો કરવા સક્ષમ બને છે. 

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગીતા જ્ઞાનથી વિદ્યાર્થીઓ સંસ્કારી અને સુસભ્ય બને એવા આશયથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્ય સરકારે શાળાઓમાં ધો. ૬ થી ૧૨માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ અભ્યાસક્રમમાં સમાવ્યા છે. ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વમાં નોંધપાત્ર અને સકારાત્મક પરિવર્તન લાવશે. 

આ પ્રસંગે સુરત શહેરના પૂર્વ પોલીસ કમિશનર શ્રી અજય તોમરે જણાવ્યું હતું કે, એરિસ્ટોટલ, પ્લેટો જેવા મહાન દાર્શનિકોના વિચારોમાં ગીતાના વિચારબીજ અને પ્રેરણા જોવા મળે છે. ગીતા છંદબદ્ધ અને કાવ્યાત્મક શૈલીમાં રચાયેલ ગ્રંથ છે એટલે જ ગીત અને ગીતા એકબીજાના પૂરક બન્યા છે. 

ગીતા કંઠસ્થ નહીં, આત્મસ્થ કરવાંનો ગ્રંથ છે એમ જણાવી શ્રી તોમરે કહ્યું કે, આપણે પરમાત્માનો અંશ છીએ જેથી આપણી ક્ષમતાઓનો યથાર્થ ઉપયોગ કરતા નથી એટલે જ આપણે અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા છીએ. ગીતાનું નિત્ય અધ્યયન માનવીને જગાડવાનું, ઢંઢોળવાનું કાર્ય કરશે.

અર્જુન જેવો મહાનાયક જ્યારે યુદ્ધની પરિસ્થિતિથી અસ્થિર, સંભ્રમિત થાય અને યુદ્ધથી ભાગવાની વાત કરે ત્યારે શ્રીકૃષ્ણ કર્મયોગથી અર્જુનને તેની જવાબદારી અને કર્મનું ભાન કરાવે છે. અર્જુન તે બીજું કોઈ નથી હું છું, તમે છો તે આપણા સૌનો પ્રતિનિધિ છે. સંઘર્ષો, શોષણ અને મનોવ્યથાથી જેમ આપણે હતાશ થઈ જઈએ ત્યારે ગીતા જ્ઞાન દીવા દાંડી સમાન રસ્તો બતાવે છે એમ જણાવી અર્જુનના વિષાદ યોગની છણાવટ કરી હતી. 

રાજ્યસભાના સાંસદ, SRK ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને SRK ગ્રુપના ચેરમેનશ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરીને રાજ્યપાલ સહિત સૌ આમંત્રિત મહેમાનોને આવકારી જણાવ્યું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતા માનવીય મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારિતાનું સિંચન કરે છે, ત્યારે છેલ્લા એક વર્ષથી સતત ૫૨ સપ્તાહ સુધી અવિરતપણે ચાલતી ગીતા જ્ઞાન પીરસતી વ્યાખ્યાન માળા યોજી અમે લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો નાનકડો પ્રયાસ કર્યો છે. જેમાં દેશના વિવિધ ખ્યાતનામ વક્તાઓએ ૫૫ હજાર મિનિટનું ગીતા જ્ઞાન પીરસ્યું હતું.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related