એ મસ્જિદ દવા અને દુવાનું કેન્દ્ર હશે
મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદની નિર્માણ સમિતિના અધ્યક્ષ હાજી અરાફત શેખ અયોધ્યાના ધન્નીપુર ખાતે મુસ્લિમોને ફાળવવામાં આવેલી જમીન પર બાંધવામાં આવનાર ભવ્ય મસ્જિદના વિકાસની યોજનાઓ સાથે તૈયાર છે. તેમણે ન્યૂ ઈન્ડિયા અબ્રોડ માટે વિનોદ કુમાર શુક્લા સાથે પોતાના વિચારો શેર કર્યા.
સવાલ : તમે અયોધ્યામાં બની રહેલી મસ્જિદની નિર્માણ સમિતિના અધ્યક્ષ છો, અમને મસ્જિદનું નામ, અર્થ અને વિશિષ્ટતા જણાવો !
જવાબ : આ એક અદ્ભુત મસ્જિદ બનવા જઈ રહી છે અને તેનું નામ છે મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદ.આ મસ્જિદનું નામ પયગંબર મોહમ્મદ સાહેબના નામ પર રાખવામાં આવ્યું છે અને પયગંબર મોહમ્મદ સાહેબના પિતાનું નામ પણ તેમાં સામેલ છે. મસ્જિદનું નામ પ્રોફેટના નામ પરથી રાખવામાં આવ્યું છે એ જ ખાસ વાત છે. મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદની વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા પછી જ્યારે મેં સમગ્ર દેશની મુલાકાત લીધી ત્યારે મેં સુન્ની, તબલીગી, દેવબંદી, પીર અને ઉલેમા સાથે મુલાકાત અને વાત કરી. મેં તેમને કહ્યું કે નબીની એક ભવિષ્યવાણી છે કે તમે જે દેશમાં રહો છો તેને પણ તમારે એટલો જ પ્રેમ કરવો જોઈએ જેટલો તમે તમારા ધર્મને કરો છો. કુરાન અને હદીસમાં આનો ઉલ્લેખ છે. મેં તેમને કહ્યું કે આપણે બાબરના અનુયાયીઓ નથી. તે ફક્ત એક શાસક હતો જે ભારતને લૂંટવા માટે ધનુષ્ય, ભાલા અને તલવારો સાથે આવ્યો હતો. આપણે ગરીબ નવાઝના અનુયાયીઓ છીએ. આપણે નફરતને પ્રેમમાં બદલવાનો હેતુ રાખવો જોઈએ જે નબીની પદ્ધતિ હતી અને જે તેણે આપણને શીખવી હતી. આ બધું દેશમાં શાંતિ લાવશે અને જ્યાં આપણે પ્રાર્થના કરીએ છીએ તે જગ્યા શાંતિપૂર્ણ હોવી જોઈએ. જો શાંતિ ન હોય, તો પ્રાર્થના કરવાનો કોઈ અર્થ નથી. શાંતિ મેળવવા અને અલ્લાહને સમર્પણ કરવા માટે જ નમાઝ અદા કરવામાં આવે છે. શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે તે કંઈ પણ સારું છે અને લોકોએ તેને સ્વીકાર્યું છે. અમે બાંદ્રામાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં દેશભરના પીર અને મૌલાનાઓએ ભાગ લીધો હતો. તેમાં કેટલાક એવા લોકો પણ હાજર હતા જે એકબીજા સાથે આંખો મેળવી શકે તેમ પણ ન હતા. જ્યારે મસ્જિદની પહેલી ઝલક જોવા મળી ત્યારે તે કાર્યક્રમમાં લોકોની આંખોમાં આંસુ હતા અને તેઓએ એકબીજાને ગળે લગાવીને આશીર્વાદ આપ્યા હતા. આવું પ્રથમ વખત બન્યું છે અને હું હાજી અરાફત આ કરવામાં સફળ થયો.
સવાલ : એવું કહેવામાં આવી રહ્યું છે કે એકવાર તૈયાર થઈ જશે તે ભારતની સૌથી મોટી મસ્જિદ હશે. તમારી ટિપ્પણી!
જવાબ : જુઓ તેના બે કારણ છે, એક તો ભૌતિક રીતે આ સૌથી મોટી મસ્જિદ અને બીજી મહત્તમ લોકોના આશીર્વાદ તેની સાથે છે. આ મસ્જિદ પ્રત્યે દરેકના આશીર્વાદ અને પ્રેમ જે આ મસ્જિદની ખાસિયત છે. મસ્જિદ દવા અને દુવાનું કેન્દ્ર હશે. મારું માનવું છે કે મસ્જિદ અને હોસ્પિટલના નિર્માણ બાદ ઉત્તર પ્રદેશમાંથી કોઈ પણ વ્યક્તિ કેન્સરની સારવાર માટે મુંબઈ નહીં આવે. મુંબઈની હોસ્પિટલો કેન્સરના દર્દીઓથી ભરેલી છે. સૌથી પહેલું કામ અમે કરવા માંગીએ છીએ કે 500 પથારી વાળી કેન્સર હોસ્પિટલ બનાવીએ. કોઈપણ જ્ઞાતિ, ધર્મના લોકો પછી તે હિંદુ હોય કે મુસ્લિમ તેમની સાથે અહીં યોગ્ય વ્યવહાર કરવામાં આવશે. મુંબઈ સુધી કોઈ જાય કે નહિ પણ મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદની હોસ્પિટલમાં સારવાર માટે લોકો આવશે અને તે પણ મફત. કોઈપણની માતા, પુત્ર, પુત્રી અથવા કોઈપણ સંબંધી જેની સારવાર મફતમાં કરવામાં આવશે તે ચોક્કસપણે અમને આશીર્વાદ આપશે. તે આશીર્વાદની અસર ડોકટરોને શિફા (દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવાની શક્તિ) આપશે. આ અમારી માન્યતા છે. જ્યાં સુધી આ મસ્જિદની વાત છે તો તેમાં ઈદ પર નમાઝ અદા કરવા માટે 9000 લોકોનો સમાવેશ થાય તેમ છે. આ મસ્જિદની અન્ય વિશેષતા એ છે કે તેમાં ઈસ્લામના પાંચ સિદ્ધાંતો - કલમ, નમાજ, રોઝા, જકાત અને હજનું પ્રતિનિધિત્વ કરતા પાંચ મિનાર હશે.
સવાલ : અમને મસ્જિદની વિશેષતાઓ વિશે જણાવો, તે ફાળવવામાં આવેલી પાંચ એકર જમીનમાં હશે કે વધુમાં ?
જવાબ : સરકારે અમને પાંચ એકર જમીન ફાળવી છે પરંતુ પ્રોજેક્ટ મોટો છે કારણ કે તે લોકોની અન્ય જરૂરિયાતો પૂરી કરશે. અમે એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ, લો કોલેજ, સ્કૂલ અને હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ. પાંચ એકર જમીનમાં આ બધી વસ્તુઓ શક્ય નથી અને અમને લાગે છે કે અમારે 12થી 15 એકર જમીનની જરૂર પડશે. અને જો વધુ જમીનની જરૂર પડશે તો અમે વધુ જમીન ખરીદીશું જેથી કરીને લોકોને યોગ્ય સુવિધા મળી રહે. અમે શાકાહારી રસોડું બનાવી રહ્યા છીએ. જો તમે ખાસ કરીને ખ્વાજા ગરીબ નવાઝની મુલાકાતે જાવ તો ત્યાં સૂફીવાદનો ખ્યાલ જોશો, ત્યાં એક શાકાહારી રસોડું પણ છે કારણ કે આ સ્થળની મુલાકાત લેવા દરેક જાતિ અને ધર્મના લોકો આવે છે. ત્યાં દરરોજ અંદાજે 3000-5000 લોકો જમશે. લગ્ન સમારોહમાં કોઈપણનું સ્વાગત કરવામાં આવે છે તેમ આ સ્થળની મુલાકાત લેતા લોકોનું સ્વાગત કરવામાં આવશે. અમે વઝુખાનામાં દુબઈ કરતા પણ મોટું દુનિયાનું સૌથી મોટું માછલીઘર બનાવીશું. વઝુખાનાની નજીક વેજ કેન્ટીન છે અને માછલીઘર થઈને પછી તમે જમવા વેજ કેન્ટીનમાં જઈ શકાશે. જો યોગ્ય સુવિધાઓ આપવામાં આવશે તો લોકો ચોક્કસ અમને આશીર્વાદ આપશે. ભારતની આ પહેલી મસ્જિદ હશે જ્યાં શાકાહારી રસોડું હશે. એક હિંદુને પણ મસ્જિદના પરિસરમાં શાકાહારી ભોજન મળશે. વીજ પુરવઠાના મુદ્દાને ઉકેલવા માટે, તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મગરીબ નમાઝ માટે અઝાન વાગતાની સાથે લાઈટ આપોઆપ ચાલુ થઈ જશે અને પરોઢ થતા લાઈટો બંધ થઈ જશે. અઝાન સાથે ફુવારા કામ કરવાનું શરૂ કરશે. આ તમામ બાબતો દૂર-દૂરના સ્થળોએથી પ્રવાસીઓને આકર્ષશે. સૌથી મોટું કુરાન બનાવવામાં આવી રહ્યું છે જે 21 ફૂટ લાંબુ અને 18 ફૂટ પહોળું છે. તેનો રંગ કેસરી હશે. હિંદુઓ ભગવા રંગને પોતાનો ગણાવે છે અને સૂફીઓ પણ પોતાને ભગવા સાથે જોડે છે અને તેને ચિસ્તિયા રંગ કહે છે કારણ કે ગરીબ નવાઝની પાઘડીનો રંગ કેસર હતો. ગરીબ નવાજની નજરે આપણે એ રંગ જોવો પડશે. જ્યારે લીલો અને કેસરી ભેગા થાય છે ત્યારે દેશ વધુ સુંદર બને છે.
સવાલ : બાંધકામનું કાર્ય ક્યારે શરૂ થશે અને કામ પૂર્ણ થવાનો અપેક્ષિત સમય.
જવાબ : અમે તો આ વર્ષે ફેબ્રુઆરીથી તેને શરૂ કરવા માગતા હતા, પરંતુ તમામ સાથીદારો સૂફી ઈંટો લઈને આવશે જે દેશની તમામ દરગાહમાં જશે ત્યાંથી તે અજમેર જશે. તે અજમેરથી મુંબઈ પહોંચશે અને મુંબઈથી અમારા સાથીદારો અને સંતો અયોધ્યા પહોંચશે અને પાયો નાખવામા આવશે. ઝફર ફારૂકી સાહેબ, મૌલાના અબ્દુલ કમર સાહેબ અને અમે બધા બેસીને વિચાર-વિમર્શ કરીએ છીએ અને એવી આશા છે કે કામ રમઝાન પછી શરૂ થશે.
સવાલ : તમે આ મસ્જિદના નિર્માણની પ્રક્રિયામાં લોકોની ભાગીદારી કઈ રીતે સુનિશ્ચિત કરવા માંગો છો ?
જવાબ : દેશનો દરેક મુસ્લિમ ખુશ છે. જે દિવસથી હું મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદની બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયો ત્યારથી દેશભરમાંથી લોકો આશીર્વાદ સાથે મારી મુલાકાત લઈ રહ્યા છે. હું જ્યાં જાઉં ત્યાં વૃદ્ધાવસ્થાના લોકો, માતાઓ મને આશીર્વાદ આપે છે. તેઓ મારા પરિવારને આશીર્વાદ આપે છે.
દરેક જણ ત્યાં મસ્જિદ ઈચ્છે છે અને તેનું નિર્માણ ખૂબ જ સરસ રીતે થવુ જોઈએ અને તે થઈ રહ્યું છે જે એક મોટી વાત છે. ચોક્કસપણે, એવા કેટલાક લોકો છે જેમને આ થવુ પસંદ નથી અને તેઓ કંઈક આડુ અવળુ બોલશે પણ ખરા. હું તમારા મીડિયા હાઉસની મદદથી તેમને કહેવા માંગુ છું કે દેશનો વિકાસ થવો જોઈએ અને જો દેશમાં વાતાવરણ સારું હશે તો દેશ વધુ ને વધુ સારી રીતે વિકાસ કરશે. આપણા પાડોશી દેશ તરફથી ભારતની પ્રશંસા થવી જોઈએ, ઠપકો ન મળવો જોઈએ, આ અમારો પ્રયાસ છે. આ મુદ્દાઓ પર રાજનીતિ કરતા રાજકીય નેતાઓએ એ બધુ બંધ કરવુ જોઈએ. સારી વાત એ છે કે મસ્જિદ બનાવવામાં આવી રહી છે અને તેનું નામ પ્રોફેટના નામ પર રાખવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિના મનમાં કોઈ શંકા હોય તો, હું માત્ર એક ફોન જેટલો દૂર છું. લોકોના મનમાં કોઈ શંકા હોય તો મને ફોન કરો અને હું જવાબ આપવા તૈયાર છું.
સવાલ : મસ્જિદના નિર્માણ પાછળ કેટલા પૈસા ખર્ચવાની અપેક્ષા છે અને પૈસા ક્યાંથી આવશે ?
જવાબ : આ મસ્જિદના નિર્માણ માટે કોઈ રસ્તા પર પૈસા માંગવા નહીં જાય. અમે તેના માટે એક વેબસાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ જેને ખૂબ જ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. દરેક વિગતો વેબસાઇટ પર આપવામાં આવશે. સમગ્ર વિશ્વમાં કોઈપણ ભારતીય દાન કરી શકે છે. શરિયા કાયદાના કેટલાક મુદ્દાઓ છે જેની કાળજી લેવાની જરૂર છે કારણ કે જકાતના નાણાંને મસ્જિદ બનાવવામાં વાપરી ન શકાય. તેથી, જે કોઈ પણ જગ્યાએ દાન કરવા ઈચ્છે છે, તે વ્યક્તિ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ કે અન્ય કોઈ જગ્યાએ દાન કરી શકે છે. અમે ત્યાં એક 'વૃદ્ધાશ્રમ' બનાવી રહ્યા છીએ જે દેશનું શ્રેષ્ઠ હશે. મસ્જિદ અને ભોજનની સાથે તેના માટે પણ પૈસા દાન કરી શકાશે. અમે એક QR કોડ બનાવી રહ્યા છીએ અને તેના માટે લોકોની નિમણૂક કરવામાં આવશે જે QR કોડને ઓળખવાનું કામ કરશે. જેથી પૈસા QR કોડ દ્વારા અને ચેક બંને દ્વારા લેવામાં આવશે. જો તમે 100 રૂપિયાનું દાન કરશો તો પણ બેંકમાંથી તમારા ફોન પર મેસેજ આવશે કે 'મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદ તરફથી આભાર,અમને પૈસા મળ્યા છે'. આ રીતે અમે મસ્જિદ માટે ભંડોળ એકત્ર કરવા દેશભરમાં જઈશું.
સવાલ : અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અયોધ્યામાં અને તેની આસપાસની ઈન્ફ્રાસ્ટ્રક્ચર એરપોર્ટથી લઈને રેલવે સ્ટેશન સુધીના રસ્તાઓથી લઈને હોટલ સુધી સજ્જ છે. શું તે કોઈપણ રીતે મસ્જિદ અને અન્ય સુવિધાઓને મદદરૂપ થશે જેની સંભાળ રાખવાનું કામ તમને સોંપવામાં આવ્યું હોય ?
જવાબ : આવી બાબતોનો વિકાસ કરવા માટે આપણી પાસે ખૂબ જ સક્ષમ વડાપ્રધાન છે. સરકાર જે રીતે સમગ્ર દેશમાં રસ્તાઓ, પુલ, એરપોર્ટ, હોસ્પિટલો અને પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેથી લઈને દરેક જાતિ અને ધર્મના લોકોને મદદ કરી રહી છે. તેનાથી જ્યારે પણ આવા નિર્માણકાર્ય થશે ત્યારે તે દરેકને લાભ કરશે અને તેનાથી સમગ્ર ઉત્તરપ્રદેશના લોકોને મદદ મળશે. મસ્જિદનું સ્થાન એરપોર્ટ અને હાઇવેથી સારી રીતે જોડાયેલું છે. મંદિરોની મુલાકાત લેતા લોકો મસ્જિદોની મુલાકાતે પણ આવી શકે છે કારણ કે ઘણા મુસ્લિમો પણ રામ મંદિરની મુલાકાત લે છે. વિકાસથી સમગ્ર વિસ્તાર અને વિસ્તારના લોકોને ફાયદો થશે. હોસ્પિટલનું નિર્માણ વોકહાર્ટ ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેઓ તેમાં નિપુણતા ધરાવે છે. અમે હોસ્પિટલોના ડોકટરોથી લઈને કોલેજોમાં શિક્ષકોથી લઈને મશીનરીથી લઈને હોસ્પિટલોમાં પથારી સુધી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે આ સુવિધાઓ બનાવવામાં આવશે ત્યારે પીએમ અને સીએમ બંને તેની પ્રશંસા કરશે અને તેનાથી સ્થાનિક લોકોને ફાયદો થશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login