ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા સુરત જિલ્લાના ૭૪૯ ગામોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ૧૮ ફેબ્રુઆરી સુધીમાં ૩૦,૯૩૨ લાભાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. જે પૈકી સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૮૭૯૭ લાભાર્થીઓનો સર્વે કરાયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકો કે જેઓ પાસે ખુલ્લો પ્લોટ હોય, કાચું મકાન હોય તેવા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ૨.૦ હેઠળ પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, સુરત જિલ્લામાં ૬ વર્ષ બાદ નવા પીએમ આવાસો બનાવવા સર્વેની કામગીરી શરૂ છે, જેમાં જિલ્લાના ચોર્યાસી, બારડોલી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા તાલુકાના ૭૪૯ ગામોમાં સર્વેની કામગીરી પ્રગતિમાં છે. વધુમાં વધુ લાભાર્થીઓને આવાસીય છત્ર પૂરૂ પાડી શકાય એ માટે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ગામોમાં નવા પીએમ આવાસ બનાવવાની ખાસ ઝુંબેશ અને સર્વે અંતર્ગત તાલુકા દીઠ ટીમ બનાવવામાં આવી છે. જેમાં પ્રત્યેક ગામ દીઠ એક સર્વેયરની નિમણુંક કરી નવા સર્વેની કામગીરી પ્રગતિમાં છે. સર્વેયરો દ્વારા ગામના લાભાર્થીઓ આધાર કાર્ડ, બેંક પાસબુક વિગત, રાશનકાર્ડ અને જોબ કાર્ડ વગેરે વિગતોથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરી ઘરવિહોણા તથા કાચા ઘરમાં રહેતા લોકો માટે નવા ઘરની અરજી કરવામાં આવી રહી છે. હાલ સુધી બારડોલી તાલુકામાં ૧૩૫૮, કામરેજમાં ૫૯, મહુવામાં ૪૯૧૩, માંડવીમાં ૮૧૭૫, માંગરોળમાં ૬૪૬૯, ઓલપાડમાં ૫૬૧, પલસાણામાં ૬૦૦ અને ઉમરપાડા તાલુકામાં ૮૭૯૭ મળી કુલ ૩૦,૯૩૨ લાભાર્થીઓની સર્વે કરાયો છે.
જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી પ્રજાપતિની દેખરેખમાં પીએમ આવાસોના નવા સર્વે તથા જૂના વર્ષના પૂર્ણ કરવાના બાકી આવાસોની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આમ, સર્વેના કારણે પીએમ આવાસથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પાકું આવાસ મેળવવાની ફરી એકવાર તક મળશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login