ADVERTISEMENTs

14 વર્ષની ઉંમરે શરૂ કરેલા શોખને વ્યવસાયમાં તબદીલ કરી વર્ષે 25 લાખનું ટર્નઓવર કરતી સુરતની મહિલા ઉદ્યોગ સાહસિક.

રૂ.50 થી 40,000 સુધીના દેશ-વિદેશના પારંપરિક હેન્ડીક્રાફ્ટના ઘરેણાં, બેગ્સ, બેલ્ટ, પેચીસ અને ટ્રાઈબલ જ્વેલરી સહિતની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર.

સુરતની મહિલા ઉદ્યોગ સાહસિક નસીમ મલેક / માહિતી વિભાગ, ગુજરાત.

સુરતના સિટીલાઇટ વિસ્તાર ખાતે આયોજિત ગરવી ગુર્જરી મેળામાં દેશ-વિદેશના પારંપરિક હેન્ડીક્રાફ્ટથી સુરત વાસીઓને અવગત કરાવતા ભાગળ વિસ્તારના રહેવાસી નસીમ મલેકની કળા ચોક્કસથી સુરત વાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. 

કચ્છી હેન્ડએમ્બ્રોઇડરી, અફઘાની અને કર્ણાટક લંબાની હેન્ડ એમ્બ્રોઈડરી, બિડ વર્કમાં ગુજરાત, યુક્રેન, નેટીવ અમેરિકન, આફ્રિકાની મસાઈ અને અફઘાની ટ્રાઈબલ જ્વેલરીની વિવિધ પ્રોડક્ટ્સ ખરેખર મનમોહનારી છે. રૂ.૫૦ થી ૪૦ હજાર સુધીના દેશ-વિદેશના પારંપરિક હેન્ડીક્રાફ્ટના ઘરેણાં, બેગ્સ, બેલ્ટ, પેચીસ અને ટ્રાઈબલ જ્વેલરી સહિતની વસ્તુઓ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. 

કમરના બેલ્ટમાં બિડેડ, કોડીવાળા, મેક્રમ, અફઘાની, ક્રોશિયો, ગુજરાતી અને લમ્બાની મીરર વર્ક જેવી વિવિધતા છે. તો જૂટ્સ, મેક્રમ, અફઘાની, ક્રોશિયો, લંબાણી બંજારા સહિતની બેગ્સ પણ ખાસ છે. આ સિવાય કી રીંગ, બ્રેસ્લેટ, નેપાળી નેક લેસ સહિતની વસ્તુઓ પણ બનાવી વેચે છે. 

માત્ર ૧૪ વર્ષની ઉંમરે શોખ તરીકે કરેલી શરૂઆતને વ્યવસાયમાં તબદીલ કરવા અંગે નસીમ મલેકે કહ્યું કે, હું નાની ઉંમરથી જ કામ કરતી હતી. વર્ષ ૧૯૮૬માં ટેલરિંગથી શરૂઆત કરી અને રુચિ વધતાં મેં સુરતની જ ઈન્સ્ટિટયૂટમાંથી ફેશન ડિઝાઇન કર્યું. મને પહેલેથી જ વિવિધ રાજ્યોના ટ્રેડિશનલ ક્રાફ્ટમાં ખૂબ રસ હોવાથી વિવિધ જગ્યાએ ફરીને સ્થાનિક પારંપરિક હેન્ડીક્રાફટને પ્રોત્સાહન આપવા તેને જ વ્યવસાય તરીકે વિકસાવવાનું વિચાર્યુ. હું અલગ અલગ જગ્યાના ક્રાફ્ટને મારી ડિઝાઇનમાં ઢાળી વિવિધ પ્રોડક્ટસ બનાવું છું. જેનું ઘરેથી અને એક્ઝિબિશન મારફતે વેચાણ કરું છું. જેમાં વર્ષે ૨૫ લાખનું ટર્નઓવર કરી ૬-૭ લાખની કમાણી કરું છું. તેમજ સમય સાથે હવે ઓનલાઈન બિઝનેસ કરવાની પણ તૈયારી તેમણે બતાવી હતી. વધુમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ આર્ટિસ્ટને મળતી તકો ખરેખર પ્રશંસનીય છે. વિવિધ મેળાઓ થકી અમને સારામાં સારી જગ્યાએ વેચાણની ઉત્તમ તકો મળે છે. સરકાર તરફથી મળતા પ્રોત્સાહનને કારણે દરેક સ્ત્રી આર્થિક પગભર થવાનો પ્રયત્ન કરે છે અને સફળ થાય છે. રાજ્ય સરકારની ઉત્તમ કામગીરી બદલ તેમને બિરદાવતા નસીમ મલેકે દરેક સ્ત્રીઓને આવી સહાયની યોજનાઓનો વધું વધુ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.

પારંપરિક હેન્ડીક્રાફ્ટના ઘરેણાં, બેગ્સ, બેલ્ટ, પેચીસ અને ટ્રાઈબલ જ્વેલરી / માહિતી વિભાગ, ગુજરાત.

સુરતમાં હસ્તકલાકૃતિઓ, ઉત્પાદનોનું વેચાણ સહ પ્રદર્શન: ૧૫મી જુલાઇ સુધી ખરીદી કરવાની તક

હાથશાળ હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર રાજ્યના અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનો, હસ્તકળાની ચીજોનું વેચાણ સહ પ્રદર્શન સુરતના સિટીલાઈટ રોડ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે ૧૫મી જુલાઇ સુધી સવારે ૧૧ વાગ્યે થી રાત્રે ૯ વાગ્યે સુધી શરૂ છે. રાજ્ય સરકારના સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીના આયોજન હેઠળ સુરત જિલ્લા સહિત અમદાવાદ, રાજકોટ, ભુજ, નવસારી, ભરૂચ, વડોદરાના હસ્તકલા કારીગરોના ૪૨ સ્ટોલ્સ પરથી હસ્તકલાકૃતિઓની ખરીદી કરવાની ઉત્તમ તક છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related