ADVERTISEMENTs

સુરત જિલ્લા અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકસભા ચૂંટણી માટે સજ્જ જિલ્લા ચૂંટણીતંત્ર.

મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયા વિના અવરોધ પૂર્ણ થઈ શકે એ માટે મતદાન મથકની અંદર તેમજ મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની હદમાં મોબાઈલ ફોન સહિતના ડિજીટલ ઉપકરણો લઈ જવાની મનાઈ છે.

Press Conference by Dist. Collector / Information Dept

સુરત કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, જિલ્લા પોલીસ વડાશ્રી હિતેશ જોઈસર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે બારડોલી સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ માંગરોળ,  માંડવી, કામરેજ,  બારડોલી, મહુવા અને નવસારી સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ લિંબાયત, ઉધના,  મજુરા,  ચોર્યાસી,  વિધાનસભા બેઠકોમાં તા.૭મી મેના રોજ ચૂંટણી યોજાશે. જેમાં લોકો વધુને વધુ મતદાન કરે, સામૂહિક અને સપરિવાર મતદાન કરે એવો સૌને અનુરોધ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફોટા વગરની મતદારયાદી દર્શાવતી મતદાર માહિતી કાપલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. જો આ કાપલીઓ ન મળી હોય તો https://electoralsearch.eci.gov.in/ લિંક પરથી ઓનલાઈન મતદાન કેન્દ્ર સહિતની વિગતો મેળવી શકાશે. 

મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયા વિના અવરોધ પૂર્ણ થઈ શકે એ માટે મતદાન મથકની અંદર તેમજ મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની હદમાં મોબાઈલ ફોન સહિતના ડિજીટલ ઉપકરણો લઈ જવાની મનાઈ છે. મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલા મતદારો મોબાઈલ ફોન સાથે તા.૦૭મીએ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે નહીં. ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારીઓ અને ચૂંટણી અધિકારીએ ખાસ અધિકૃત કરેલા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ચૂંટણી પંચના અધિકારપત્રો ધરાવતા મીડિયાકર્મીઓને મોબાઈલ લઇ જવાની છૂટ અપાઈ છે.

આ ઉપરાંત, તંત્ર દ્વારા ૨૮૮૨ પૈકી ૧૪૫૩ મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરાશે એમ જણાવી તેમણે સુરત શહેર-જિલ્લામાં ઔદ્યોગિક કારીગરો, શ્રમિકો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે સવેતન રજા જાહેર કરવામાં આવી છે. જેથી વધુને વધુ મતદાન કરવા તમામ મતદારોને અનુરોધ કર્યો હતો.

લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર જોડવા અને અચૂક મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીની અપીલ કરતા તેમણે ઉમેર્યું કે, હિટવેવની સંભાવના તેમજ ગરમીને જોતાં તમામ મતદાન મથકો પર પીવાના ઠંડા પાણી, શેડ-શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે. દરેક મતદાન મથકે ORS અને મેડિકલ કિટ, જરૂરી દવાઓ આપવામાં આવી છે. નજીકના આરોગ્ય કેન્દ્રનો ઈમરજન્સી નંબર ઉપલબ્ધ કરાવાશે. ઉપરાંત, ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ જરૂરી દવાઓ અને મેડિકલ સાધનો સાથે નિયત સ્થળો પર સ્ટેન્ડ બાય રહેશે.

મતદારોને મતદારયાદીમાં નામની ચકાસણી માટે જરૂરી માહિતી/માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર ૧૯૫૦ છે તેમજ મતદાર યાદીમાં પોતાના નામની વિગતો જાણી શકે તે માટે VOTER HELPLINE એપનો ઉપયોગ કરી શકાય છે.

કાયદો અને વ્યવસ્થા અંગે શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, શહેર પોલીસ દ્વારા ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તટસ્થ, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા છેલ્લા દોઢ મહિનાથી વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. ચૂંટણીના માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને ચૂંટણીને પ્રભાવિત કરી શકે તેવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો વિરુદ્ધ પાસા સહિતની કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ પોલીસ સ્ટાફની સાથોસાથ પેરામિલીટરી ફોર્સનો પૂરતો પોલીસ બંદોબસ્ત કરાયો છે. 

લોકસભા ચૂંટણીમાં મતદાન માટે નાગરિકો ચૂંટણી કાર્ડ સિવાય પણ માન્ય થયેલા ઓળખના ૧૨ વૈકલ્પિક પુરાવા પૈકી કોઈપણ પુરાવાના આધારે મતદાન કરી શકે છે.

અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે. જેમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઈ દ્વારા ઈસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઈન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઈસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઈસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત "અસલ પાસપોર્ટ" રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related