રક્તદાન, નેત્રદાન, દેહદાન જેવા અનેક દાનની સાથોસાથ અંગદાનનું મહત્વ વધી રહ્યું છે, ત્યારે અંગદાન વિષે વધુમાં વધુ લોકો જાગૃત્ત બને એવા આશયથી સુરત નર્સિંગ એસોસિએશન દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સંવાદ યોજાયો હતો. જેમાં સિવિલની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, શહેરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત નર્સિગ સ્ટાફ, તબીબોએ ભાગ લઈ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયના જંકફૂડના જમાનામાં વ્યક્તિ આરોગ્યની સંભાળ રાખતો નથી અને તેના શરીરના અંગો જીવલેણ બીમારીનો શિકાર બને છે. જેમાં પણ ડાયાબિટીસને કારણે કિડની-હાર્ટ- લીવર ફેલ્યોરની બીમારીનો ભોગ બનતા આવા લોકોને ઓર્ગન ટ્રાન્સપાન્ટની નોબત આવે છે ત્યારે ખરી મુશ્કેલી ઉભી થાય છે. ઓર્ગન મેળવવા અગાઉથી નામ નોંધાવવું પડે છે અને જ્યાં સુધી ઓર્ગન મેળવવા નંબર આવે તે પહેલા તો દર્દી ઈશ્વરના શરણ થઈ જાય છે. આમ ઓર્ગન મેળવવાની રાહ જોતા કોઈનું અકાળે મૃત્યુ ન થાય એ માટે રાજ્યભરમાં અંગદાન મહાદાનનું વિશેષ અભિયાન ચલાવી રહ્યા છીએ.
વધુમાં તેમણે કહ્યું કે, અંગદાન મહાદાન જાગૃતિ સંવાદના આયોજનમાં નર્સિંગ એસોસિએશન ખૂબ સહકાર મળ્યો છે. સંવાદના કારણે મહત્તમ ઓર્ગન ડોનેશન થાય, અંગોની જરૂરિયાત ધરાવતા લોકોને નવું જીવન મળે એવો હેતુ રહ્યો છે.
ટીબી ચેસ્ટ વિભાગના વડા અને નર્મદ યુનિ.ના બોર્ડ મેમ્બર ડો.પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, સિવિલમાં આવતા દર્દીઓના બ્રેઇન ડેડ દર્દીઓના પરિવારના સહયોગથી ઓર્ગન ડોનેશન અભિયાનને સફળતા મળી રહી છે. હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, આવા દર્દીઓના પરિવારને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી અંગદાન માટે તૈયાર કરે છે. એટલું જ નહીં પણ જે દર્દીના પરિવારને સમજ ન પડતી હોય એવા પરિવારને કાઉન્સેલિંગ ટીમ આવીને સમજાવે છે. જેના કારણે અનેકની જિંદગીમાં ઉજાસ પથરાય છે.
નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, ઓર્ગન ડોનેશન કરી ને ૫-૭ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવુ જીવન આપી શકાય એવું પૂણ્ય માત્ર અંગદાન કરનાર વ્યક્તિ અને એના પરિવારને જ મળે છે. એટલે જ અંગદાન એ મહાદાન છે. આ મહાકાર્યમાં અંગદાન કમિટીની સાથે સમગ્ર મેડિકલ ટીમ અને સહકાર આપનાર વર્ગ-૪ ના કર્મચારીઓ, પોલીસકર્મીઓનો પણ મોટો ફાળો રહ્યો છે. તેમણે કહ્યું સંવાદ બાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફને શપથ લેવડાવવા પાછળનો હેતુ પણ એ જ છે કે અમે લોકોને અંગદાનનું મહત્વ સમજાવીશું અને જાગૃત કરી અનેક લોકોને નવું જીવન આપવામાં મદદરૂપ થઈશું.
ઉપસ્થિત સૌએ મહત્તમ અંગદાન થાય એમ માટે જનજાગૃત્તિ લાવવા શપથગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.રાગિણી વર્મા, એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમાર, ઈ.ચા.આર.એમ.ઓ ડો.લક્ષ્મણ ટેહલાની, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી સિમંતીની ગાવડે, સારિકા ખલાસી, સિવિલ હોસ્પિટલના નિલેશ લાઠીયા, સંજય પરમાર, વિરેન પટેલ, સિવિલના ડોક્ટરો, હેડનર્સ, સ્ટાફનર્સ, મેડિકલ-નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login