સમાજમાં મહિલાઓ ઉન્નત મસ્તકે સન્માનભેર જીવી શકે એ માટે સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. સરકાર દ્વારા મહિલાઓ આર્થિક, સામાજીક અને શૈક્ષણિક રીતે મજબુત બને એ માટે એનકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કરવામાં આવેલી આ પહેલને સમાજ અને મોટા મોટા ઉદ્યોગગૃહો પણ વધાવી રહ્યા છે.
સુરત જિલ્લાના હજીરા ખાતે કાર્યરત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના કોર્પોરેટ સોશ્યલ રિસપોન્સિબિલીટી વિભાગ દ્વારા સરકારની મહિલા સશક્તિકરણની આ પહેલમાં સામેલ થઇ મહિલાઓ સશક્ત બને એ માટે સી.એસ.આર ઇનિસિયેટીવ લેવામાં આવી રહ્યા છે.
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના સી.એસ.આર વિભાગ દ્વારા દામકા ગામની દસ બહેનોને ભેગી કરી એક શિવશક્તિ સખીમંડળની રચના કરી અને અહીંથી શરૂ શિવશક્તિ સખીમંડળની બહેનોની સફળતાની ગાથા. તો આવો આ બહેનોના જ મોઢે સાંભળીયે એમની આ સફળ વાર્તા.
સખીમંડળના કલ્પનાબેન પટેલે માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા ગામની દસ બહેનોએ ભેગા મળી શિવશક્તિ સખીમંડળની રચના કરી હતી. તેમને સરકાર તરફથી ત્રીસ હજાર રૂપિયા રિવોલ્વિંગ ફંડ અને રૂપિયા દોઢ લાખની કેશ ક્રેડિટ આપવામાં આવી હોવાનું જણાવી તેમણે આગળ વાત કરતા કહ્યું હતું કે, અમારા સખી મંડળને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના સી.એસ.આર વિભાગ તરફથી પ્રથમ છ મહિના સિવણની બેઝીક તાલીમ અને બીજા ચાર મહિના એકસ્પર્ટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
વાતનો દોર સાંધતા કલ્પના બેન કહે છે કે, તાલીમ બાદ કંપનીના સી.એસ.આર વિભાગ દ્વારા અમને દસ ઇન્ડ્રસ્ટ્રિયલ સ્યુંઇંગ મશીન પણ આપવામાં આવ્યા છે. અમે દસ બહેનો અમારી અનુકુળતા જયુટ બેગ, સ્કૂલ બેગ તેમજ સ્કૂલ યુનિફોર્મ સીવી વર્ષે દસે લાખ રૂપિયાની આવક મેળવીએ છીએ એમ કહી તેમણે સખીમંડળ દ્વારા અઢી લાખ રૂપિયાની બચત પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ સખીમંડળની ખાસિયત એ છે કે, મંડળમાં અઢાર વર્ષની બહેનથી લઇને ૬૬ વર્ષના માજી પણ સખીમંડળમાં સામેલ થઇ હોંશે હોંશે કામગીરી કરી આવક મેળવે છે.
આગળ ઉપર વાત કરી એમ સખીમંડળમાં સૌથી નાની વયના સભ્ય સ્નેહાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં ધો. ૧૦ સુધી અભ્યાસ કર્યો છે. મારા ઘરમાં હું, મારી મમ્મી અને મારી નાની બેન છે. અહીં મને સિવણની તાલીમ આપવામાં આવી છે. હું સિલાઇ કામ કરી ઘર આંગણે જ રોજગારી મેળવું છું. મહિને મને પંદરથી વીસ હજારની આવક મળે છે એમ તેણીએ જણાવ્યું હતું.
મંડળના સૌથી વરિષ્ઠ સભ્ય દક્ષાબેને કામ પ્રત્યેનો તેમના લગાવ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મારી ઉંમર ૬૬ વર્ષની છે. અમે સિવણની તાલીમ લીધી છે. અમે બધા પ્રકારની સિલાઇ શીખ્યા છે. અમને બહારના ઓર્ડર પણ મળે છે. ખેતમજૂરીએ જવા કરતા અહીં બેસી કામ કરવાની મજા આવે છે. મને આ લોકો સાથે કામ કરવાનું ગમે છે. એમ કહી બહેનો સાથે બેસી કામ કરવામાં આનંદ આવે છે એમ કહી તેમણે ઘરે કામ ન હોય ત્યારે એવું થાય છે હું અહીં આવી કામ કરૂં. ખેતમજૂરી કરતા ત્યારે માત્ર દોઢસો રૂપિયા જ મળતા. અહીં સારી આવક થાય છે જેથી પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકીએ છીએ. હું બહેનોને કહું છું કે, આ ખૂબ સારૂં કામ છે, સારી રીતે કામ કરીશું તો આપણા પરિવારો પણ ઉપર આવી શકશે એમ તેમણે કહ્યું હતું.
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના સી.એસ.આર કિરણસિંહ સિંધાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેટ સોશ્યલ રિસપોન્સિબીલીટી વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં જુદી જુદી પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત દામકા ગામે સખીમંડળ બનાવી બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બને એ માટે સિવણની તાલીમ આપવામાં આવી હતી. બહેનો આજે જયુટ બેગ, સ્કૂલ બેગ અને સ્કૂલ યુનિફોર્મ વગેરે બનાવી સારી આવક મેળવી રહી છે. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમીટેડ દ્વારા આ સખીમંડળને સાડા આઠ લાખ જેટલી રકમનું કામ આપવામાં આવ્યું હતું.
તાલીમ ઉપરાંત ગ્રામ પંચાયત સાથે વાત કરી ગ્રામ પંચાયતના પડતર મકાનનું રિનોવેશન કરી બહેનો સારી રીતે કામ કરી શકે એ માટેની વ્યવસ્થા પણ સી.એસ.આર વિભાગ દ્વારા કરવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું.
મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની સ્વામાનભેર જીવન વ્યતિત કરી શકે એ માટે સરકારની આ પહેલમાં સામેલ થઇ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના સી.એસ.આર વિભાગ દ્વારા કરવામાં આવેલા સ્તુત્ય પ્રયાસની સરાહના કરવી જ રહી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login