ADVERTISEMENTs

SGCCI દ્વારા સાયબર ક્રાઇમ પ્રિવેન્શન વિષે સેમિનાર યોજાયો

સાયબર ક્રાઇમ સંબંધિત નોંધાયેલા ગુનાઓમાં પ૦ ટકા ભુલ ભોગ બનનારની જ હોય છે, વર્ષ ર૦ર૪માં પ્રથમ ચાર મહિનામાં ભારતીયોએ સાયબર ફ્રોડથી રૂપિયા ૧૭પ૦ કરોડ ગુમાવ્યા : એડવોકેટ શ્રીનાથ રા યેન્ગરજી

સાયબર ક્રાઇમ પ્રિવેન્શન વિષે સેમિનાર / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને કેલિફોર્નિયાની ધી યુનિવર્સિટી ઓફ સાન ડીયેગોના સંયુકત ઉપક્રમે સવારે ૧૧:૩૦થી સાંજે પઃ૦૦ કલાક દરમ્યાન સેમિનાર હોલ–એ, SIECC, સરસાણા, સુરત ખાતે ‘સાયબર ક્રાઇમ પ્રિવેન્શન’વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ટરનેશનલ બાર એસોસીએશનના મેમ્બર એડવોકેટ શ્રીનાથ રા યેન્ગરજીએ સાયબર હુમલાઓથી બચવા માટે રાખવાની સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

SGCCIના માનદ્‌ મંત્રી નિરવ માંડલેવાલાએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમથી ભારતીય અર્થતંત્રને વાર્ષિક અબજો ડોલરનું નુકસાન થાય છે. ભારત સરકારે તાજેતરના વર્ષોમાં સાયબર ફ્રોડને કારણે આશરે રૂપિયા ૧ લાખ કરોડથી વધુનું નુકસાન થવાનો અંદાજ મુકયો હતો. ખાસ કરીને નાના વ્યવસાયો પર તેની વધુ ગંભીર અસર જોવા મળે છે. ભારતમાં લગભગ ૬૦ ટકાથી વધુ નાના અને મધ્યમ કદના SMEs સાહસો સાયબર હુમલાનો ભોગ બને છે, જેમાં ઘણાને ગંભીર નાણાંકીય નુકસાનીનો સામનો કરવો પડે છે.

એક અહેવાલ મુજબ લગભગ ૭૦ ટકાથી વધુ ભારતીય સંસ્થાઓ પાસે સાયબર હુમલાઓને અટકાવવા માટે સક્ષમ સોફટવેરનો અભાવ છે, જે સાયબર એટેકના અસરકારક રીતે પ્રતિસાદ આપવાની અને તેને ઘટાડવાની તેમની ક્ષમતાને નબળી પાડે છે. જો કે, હવે અવેરનેસને પગલે સંસ્થાઓ પણ સાયબર સુરક્ષા મામલે જાગૃત થઇ છે અને તેને કારણે હવે ભારતીય સાયબર સુરક્ષા કર્મચારીઓમાં વાર્ષિક ધોરણે ૧૧ ટકાની વૃદ્ધિ થવાની શકયતા જણાઇ રહી છે.

એડવોકેટ શ્રીનાથ રા યેન્ગરજીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીનો દુરુપયોગ સાયબર હુમલાઓ માટે વધી રહયો છે અને મોટા ભાગે વિવિધ સંસ્થાઓ, બેંકો, નોન ફાયનાન્શીયલ કંપનીઓ અને ઇન્સ્ટીટયુશન્સને ટારગેટ કરવામાં આવી રહયો છે. સાયબર ક્રાઇમ આચરનાર ગુનેગારો વિદેશમાં બેસીને બેંકોને ટારગેટ કરી રહયા છે. સાયબર ફ્રોડથી હાલમાં જ એક ખાનગી બેંકમાંથી રૂપિયા ૪ કરોડ ટર્કી ખાતે, રૂપિયા ર કરોડ દુબઇ ખાતે અને રૂપિયા ૬ કરોડ ચાઇનામાં ટ્રાન્સફર થઇ ગયા હતા. સૌ પ્રથમ વર્ષ ર૦૧૦માં સાયબર એટેકથી હુમલાખોરે ઠાણે મુંબઇ ખાતે કોર્પોરેટ ડેટાની ચોરી કરી હતી.

SGCCIના માનદ્‌ મંત્રી નિરવ માંડલેવાલા / SGCCI

તેમણે જણાવ્યું હતું કે, હવે સાયબર ક્રાઇમ આચરનારા હુમલાખોરો સાયબર કિડનેપીંગના ગુના આચરી રહયા છે. હાલમાં યુએસ અને ફ્રાન્સમાં સાયબર કિડનેપીંગ થઇ હતી. ત્યારબાદ અમદાવાદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ કરીને સાયબર કિડનેપીંગ કરવામાં આવી હતી. આવા ગુનો આચરનારા ભોગ બનનારના માનસિક પરિસ્થિતિનો ગેરલાભ લે છે. માઇન્ડ ગેમથી આ ગુનો આચરવામાં આવે છે, આથી તેમણે ઉદ્યોગ સાહસિકોને બિઝનેસ ડેટા, પર્સનલ ડેટા અને કોર્પોરેટ ડેટા માટે ઓથેન્ટીકેશન એપનો ઉપયોગ કરવા સલાહ આપી હતી. કારણ કે, હવે બિઝનેસ માટેના કોન્સેપ્ટ ડેટાની પણ ચોરી થાય છે.

વધુમાં, એડવોકેટ શ્રીનાથ રા યેન્ગરજીએ ઉદ્યોગ સાહસિકોને સાયબર ટેરરીઝમ, સાયબર પોર્નોગ્રાફી ડેફર્મેશન, સાયબર સેકીંગ, સેલ ઓફ ઇલીગલ આર્ટિકલ અને સાયબર એટેકના વિવિધ પ્રકારો તેમજ સાયબર હુમલાઓથી બચવા માટે રાખવામાં આવતી સાવચેતી વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.

સેમિનારમાં ટેકનિકલ સેશન પણ યોજાયું હતું, જેમાં ચેમ્બરના માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ગૃપ ચેરમેન સીએ મિતિષ મોદી, ગૃપ ચેરમેન શ્રી બશીર મન્સુરી અને એડવોકેટ શ્રીનાથ રા યેન્ગરજીએ ભાગ લઇ ચર્ચા કરી હતી. માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ સેમિનારના અંતે કાર્યક્રમનો સાર રજૂ કર્યો હતો.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related