ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના સંયુકત ઉપક્રમે શુક્રવાર, તા. ૧ર એપ્રિલ, ર૦ર૪ના રોજ બપોરે ૩:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ડોમ, સરસાણા, સુરત ખાતે US Immigration Law options for Businesses and Investors વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતાઓ તરીકે Nachman Phulani Zimovcak (NPZ) Law Groupના મેનેજિંગ એટોર્ની ડેવિડ નેચમન, NPZ Law Group, Raritan, New Jersey officeના મેનેજિંગ એટોર્ની સ્નેહલ બત્રા, CMB Swiss COના વાઇસ પ્રેસિડેન્ટ – ભારત ગિરિશ મોહિલે અને CMB Regional Centersના ઇન્વેસ્ટર રિલેશન્સ મેનેજર રંજીતા પ્રકાશ દ્વારા SMEs, MSMEs, HNIs અને પ્રોફેશનલ્સને અમેરિકાના ઇમીગ્રેશન વીઝા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના કાર્યવાહક પ્રમુખ વિજય મેવાવાલાએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા અને અમેરિકામાં વિવિધ રાજ્યોમાં બિઝનેસ કરવા માગતા સુરતના ઉદ્યોગ સાહસિકોને ઇમિગ્રેશન વીઝાની યોગ્ય જાણકારી મેળવી બિઝનેસ કરવાની સલાહ આપી હતી.
ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ– ગુજરાતના ચેરપર્સન કુસુમ કોલ વ્યાસે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સાથે જ તેમની સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.
ડેવિડ નેચમને સુરતના ઉદ્યોગ સાહસિકોને EB-1, EB-2, EB-3, EB-4, અને EB-5 વીઝા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એમ્પ્લોમેન્ટ બેઝડ કર્મચારીઓ ફર્સ્ટ પ્રેફરન્સ યુએસ વિઝા મેળવી શકે છે. ખાસ કરીને કોઈ પ્રોફેસર હોય કે રિસર્ચ કરનાર વ્યક્તિ હોય, મલ્ટિનેશનલ કંપનીના એકિઝકયુટિવ હોય, ચોક્કસ કેટેગરીના મેનેજર હોય તો તેઓ EB-1 વીઝા મેળવી શકે છે. અમેરિકા દ્વારા EB-5 પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, જે રોકાણકારોને આકર્ષિત કરે છે. આ અંતર્ગત અરજદાર અમેરિકન બિઝનેસમાં રોકાણ કરીને પોતાના અને પરિવાર માટે અમેરિકન વિઝા મેળવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, H-1B વિઝા એ નોન–ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકન કંપનીઓને ટેકનિકલી પ્રશિક્ષિત વિદેશી વ્યાવસાયિકોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે.
સ્નેહલ બત્રાએ L-1 વિઝા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, L-1 વિઝા જે ઇન્ટ્રાકંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે બહુરાષ્ટ્રીય કંપનીઓને અસ્થાયી રૂપે તેમની વિદેશી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને યુએસમાં કામ કરવાની મંજૂરી આપે છે. L-1 વિઝા મેળવવા માટે ભારતમાં તથા અમેરિકા એમ બંને સ્થળે કંપની હોવી જરૂરી છે. સુરતના ઉદ્યોગકારો અમેરિકામાં બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો તેમની કંપનીનો મેનેજર L-1 વિઝાને આધારે અમેરિકા ખાતે ટ્રાન્સફર થઇ શકે છે. એના માટે કોઇ ડીગ્રીની જરૂરિયાત જરૂરી નથી પણ કંપનીમાં કામ કરતા હોવાના અનુભવની જરૂરિયાત હોય છે. આ વિઝાને આધારે મેનેજર અમેરિકામાં ૧થી ૩ તેમજ વધુમાં વધુ ૭ વર્ષ સુધી રહી શકે છે. આવા મેનેજર અમેરિકામાં પત્ની અથવા પતિ તથા ર૧ વર્ષથી ઓછી વયના બાળકોને L-2 વિઝાને આધારે અમેરિકા લાવવાની મંજૂરી મેળવી શકે છે.
સુરતના ઉદ્યોગકારો કે જેઓ અમેરિકામાં નવી કંપની શરૂ કરવા માગતા હોય તો તેઓને તેમણે L1-A વિઝા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વિઝાને આધારે ઉદ્યોગકારો અમેરિકામાં કોઇ પણ સ્થળે નવી કંપની શરૂ કરી શકે છે. જો કે, ઉદ્યોગકારો પાસે નવી કંપની શરૂ કરવા માટેનો બિઝનેસ પ્લાન હોવો જોઇએ. તદુપરાંત જો અમેરિકાની કોઇ કંપની સાથે તેઓને બિઝનેસ કરતા હોય તો ત્યાંની કંપનીમાં ફંડ ટ્રાન્સફર થયાના બેંક સ્ટેટમેન્ટ, પેરોલ રેકોડર્સ અને ટેક્ષ રિટર્ન વિગેરે હોવા જોઇએ.
ગિરિશ મોહિલેએ જણાવ્યું હતું કે, ‘EB-5 વિઝા એટલે એમ્પલોયમેન્ટ બેસ્ડ ફિફ્ટ પ્રેફરન્સ વિઝા. તે યુ.એસ.નું ગ્રીન કાર્ડ મેળવવા માટેનો એક સારો વિકલ્પ છે. જેમાં ઉદ્યોગકારને ન્યૂનત્તમ ૮૦૦૦ ડોલરની ચૂકવણી કરવી ફરજિયાત છે. EB-5 વિઝા થકી અમેરિકામાં ઉદ્યોગ સાહસિક, તેની પત્ની અને બાળકોનો સ્થાયી થવા માટેનો માર્ગ સરળ હોય છે. EB-5 વિઝા બે રીતે મેળવી શકાય પ્રથમ ડિરેકટોરેટ અને બીજું રિજીયોનલ સેન્ટર પ્રોજેકટસ છે તેમ તેમણે જણાવ્યું હતું. ડિરેકટોરેટ EB-5 વિઝા એના પર નિર્ભર કરે છે કે, તમે કેટલું રોકાણ કરો છો અને કેટલા લોકોને રોજગાર આપે છે.’
કાર્યક્રમમાં ઉદ્યોગ માટે માર્ગદર્શન અપાયું હતું / / SGCCIરંજીતા પ્રકાશે જણાવ્યું હતું કે, ‘CMB Regional Center અમેરિકાનું પ્રથમ EB-5 વિઝા સેન્ટર છે. તેમણે ઉદ્યોગકારો દ્વારા થતાં ૮૦૦૦ ડોલરથી ૮ લાખ ડોલર સુધીના રોકાણ અંગેની માહિતી આપી હતી. તેમણે CMB દ્વારા રોકાણકાર તરફથી મેળવેલ ફંડને પ વર્ષ સુધી રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ કયા–કયા સેકટરમાં થાય છે તેની સમગ્ર પ્રક્રિયા જણાવી હતી.’
ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર સંજય પંજાબીએ મિશન ૮૪ વિશે વિસ્તૃત માહિતી આપી સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સના આસિસ્ટન્ટ મેનેજર અદિતી રાનતે સેમિનારનું સંચાલન કર્યું હતું. સેમિનારમાં ચારેય નિષ્ણાતોએ સુરતના ઉદ્યોગકારોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login