ADVERTISEMENTs

સદ્‍ગુરુને મળ્યો પ્રતિષ્ઠિત CIF ગ્લૉબલ ઇન્ડિયન એવોર્ડ

કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આ સમ્માન ભારતીય મૂળના એ વ્યક્તિઓને આપવામાં આવે છે, જેમણે વૈશ્વિક સ્તરે ગહન પ્રભાવ પાડ્યો હોય.

સદગુરુ(ફાઈલ ફોટો) / X @SadhguruJV

કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશને (CIF) વર્ષ 2024ના પ્રતિષ્ઠિત ગ્લૉબલ ઇન્ડિયન એવોર્ડની જાહેરાત કરી છે. આ વર્ષે આ એવોર્ડ ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદ્‍ગુરુ જગ્ગી વાસુદેવને આપવામાં આવશે. આ પુરસ્કાર અંતર્ગત મળનારી 50 હજાર કેનેડિયન ડૉલરની રકમ સદ્‍ગુરુ ‘કાવેરી કૉલિંગ’ સંસ્થાને આપશે. આ સંસ્થા ભારતમાં નદીઓને પુનર્જિવિત કરવા માટે કામગીરી કરે છે.  

કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આ સમ્માન ભારતીય મૂળના એ વ્યક્તિઓને આપવામાં આવે છે, જેમણે વૈશ્વિક સ્તરે ગહન પ્રભાવ પાડ્યો હોય. પર્યાવરણના પડકારોને દૂર કરવાની સાથે સદ્‍ગુરુ માનવ ચેતનાના વિકાસ અર્થે સંપૂર્ણ વિશ્વને જાગરૂક કરી રહ્યા છે. 

કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ રિતેશ મલિકે કહ્યું કે, “અમે સ્વયંને ભાગ્યશાળી માનીએ છીએ કે સદ્‍ગુરુએ ન માત્ર આ સમ્માનનો સ્વીકાર કર્યો પરંતુ ટોરંટોમાં આયોજિત થનારા પુરસ્કાર સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે પણ સંમતિ દર્શાવી છે.” તેમણે કહ્યું કે સદ્‍ગુરુના વિચારો સમગ્ર માનવ જીવન માટે પ્રેરણાદાયક છે. પ્રાચીન અને ગહન આધ્યાત્મિક જ્ઞાનને તેઓ અત્યંત સરળ અને સ્પષ્ટ રીતે લોકો સમક્ષ રજૂ કરે છે. 

તેમણે કહ્યું કે સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ માટે વ્યવહારૂ સમાધાન પ્રદાન કરવાની સાથોસાથ સદ્‍ગુરુ માટીના સંરક્ષણ, આબોહવા પરિવર્તન અને ભોજનની ગુણવત્તા જેવા વૈશ્વિક પડકારોના દીર્ઘકાલીન સમાધાન પણ આપે છે. 

રિતેશ મલિકે કહ્યું કે, “વર્તમાન સમયમાં સદ્‍ગુરુના વિચારો ઘણા પ્રાસંગિક છે. સદ્‍ગુરુના વિચારોથી કેનેડાના રહેવાસીઓ પણ લાભ પ્રાપ્ત કરી શકે છે. સદ્‍ગુરુના ઉપદેશ વ્યક્તિગત કલ્યાણ, સ્થિરતા અને સમાવેશિતા પર કેન્દ્રિત છે. યોગ, ધ્યાન અને માઇન્ડફુલનેસ પર તેમણે ભાર મૂક્યો છે જે કેનેડાની સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રાથમિકતાઓ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે, ખાસ કરીને પડકારજનક માનસિક બીમારીઓના સંદર્ભમાં.”

CIF દ્વારા એવોર્ડ માટે તેમની પસંદગી કરવા બદલ સદ્‍ગુરુએ CIFનો આભાર વ્યક્ત કર્યો છે. આ એવોર્ડમાં મળનારી 50 હજાર કેનેડિયન ડૉલર રકમ સદ્‍ગુરુએ કાવેરી કૉલિંગને સમર્પિત કરી છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય ભારતની જીવાદોરી કહેવાતી નદીઓને પુનર્જીવિત કરવાનો અને ખાનગી ખેતીની જમીન પર 242 કરોડ વૃક્ષો ઉગાડીને ખેડૂતોની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર સુધાર કરવાનો છે. આ પરિયોજના અંતર્ગત અત્યાર સુધી 11.1 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related