મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં ‘વૈદિક ઘડિયાળ’ લગાવવામાં આવી છે. 30 કલાકમાં દિવસ અને રાત દર્શાવતી આ કાળ ગણતરીની ઘડિયાળથી હવે મુહૂર્ત પણ જોઈ શકાશે. વિશ્વની સૌપ્રથમ આવી વૈદિક ઘડિયાળ ગઉઘાટ સ્થિત જીવાજીરાવ વેધશાળામાં 80 ફૂટ ઊંચા ટાવર પર લગાવવામાં આવી છે.
તેનું ઉદઘાટન 1 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ડો.મોહન યાદવ વર્ચ્યુઅલ રીતે કરશે. આ વિશ્વની સૌપ્રથમ વૈદિક ઘડિયાળ છે. 12 જ્યોતિર્લિંગ પૈકી એક મહાકાલેશ્વરની નગરી હંમેશા કાળ ગણતરીનું કેન્દ્ર રહી છે. અહીંયાથી કર્કવૃત્ત પસાર થાય છે અને મંગળગ્રહનું જન્મસ્થળ પણ ઉજ્જૈન હોવાની માન્યતા છે. અહીંયાથી વિક્રમ સંવતનો આરંભ થવાથી આખી દુનિયામાં વિક્રમ સંવતના નામથી કેલેન્ડર અને મુહૂર્ત સંચાલિત થાય છે. એટલા માટે આ ઘડિયાળની ખાસિયત એ છે કે આ એક સૂર્યોદયથી બીજા સૂર્યોદયની વચ્ચે 30 કલાકનો સમય બતાવશે. એમાં ભારતીય સમય મુજબ 60 મિનિટ નહીં, પરંતુ 48 મિનિટનો એક કલાક છે.
આ વૈદિક સમયની સાથે-સાથે જુદા-જુદા મુર્હૂત પણ દેખાડશે. ટેકનિશિયન સુશીલ ગુપ્તાએ જણાવ્યું કે આપણી પૌરાણિક કાળ ગણતરીની પદ્ધતિ પ્રમાણે આ વૈદિક ઘડિયાળ બનાવવામાં આવી છે. 30 કલાકની આ વૈદિક ગણિત વાળી ઘડિયાળ દ્વારા મુર્હૂત પણ જોઈ શકાશે અને આ ઘડિયાળ મોબાઈલ એપથી પણ ઓપરેટ થઈ શકે છે.
લગભગ 80 ફૂટ ઊંચા ટાવર પર આ ઘડિયાળ લગાવવા માટે 150 ફૂટ ઊંચી ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પહેલા વૈદિક ઘડિયાળનું ટેસ્ટિંગ પણ કરાશે. વિશ્વની આ પ્રથમ વૈદિક ઘડિયાળ લગાવવામાં મુખ્યમંત્રી ડો. મોહન યાદવની ભૂમિકા ખૂબ મહત્વની રહે છે. એ જ્યારે ઉચ્ચ શિક્ષણ મંત્રી હતા, ત્યારે તેમણે વૈદિક ઘડિયાલ લગાવવાના પ્રયાસ શરુ કર્યા હતા. આ પ્રયાસના ભાગરુપે આ અનોખી વૈદિક ઘડિયાલ લાગી શકી છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login