ADVERTISEMENTs

PM મોદીએ સુરતમાં ડાયમંડ બુર્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન મોદીએ ૧૭ ડિસેમ્બરના રોજ સુરતમાં ડાયમંડ બુર્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કર્યું હતું.

PM Narendra Modi / Google

PM મોદીએ સુરતમાં ડાયમંડ બુર્સ લોકાર્પણ

વડાપ્રધાન મોદીએ ૧૭ ડિસેમ્બરના રોજ સુરતમાં ડાયમંડ બુર્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કર્યું હતું.  સુરતના ખજોદમાં રૂ।.3400 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુર્સને હીરા ઉદ્યોગના વિકાસને બુસ્ટ આપતું અપ્રતિમ સાહસ ગણાવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સ ન્યૂ ઈન્ડિયાની તાકાત અને દૃઢ સંકલ્પનું પ્રતીક છે. સુરતની જાહોજલાલીમાં નવો હીરો જોડાયો છે. આ હીરો નાનોસૂનો નથી. તે વિશ્વનો સૌથી વધુ ચમકતો હીરો છે. હીરાની આ ચમક સામે વિશ્વની મોટામાં મોટી ઇમારતોની ચમક ઝાંખી પડે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સુરતનો હીરા ઉદ્યોગ ૮ લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. સુરત ડાયમંડ બુર્સ વધુ દોઢ લાખ રોજગારીનું સર્જન કરશે.
વડાપ્રધાન મોદીએ સુરત પહોંચી સૌપ્રથમ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ, ૮ કિલોમીટર લાંબો રોડ શો કરીને સુરતની જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ સભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે સરકારે ૨૫ વર્ષનો લક્ષ્યાંક તૈયાર કર્યો છે કે પાંચ ટ્રિલિયન, દસ ટ્રિલિયન ડોલર્સ ઇકોનોમી કેવી રીતે બને તેના પર કામ ચાલી રહ્યું છે. મેડ ઇન ઇન્ડિયા એક વટવૃક્ષ બની ગયું છે. તેનો લાભ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને મળશે. 

સુરત ડાયમંડ એક્સપોર્ટમાં અગ્રણી


વડાપ્રધાન મોદીએ કહ્યું કે સુરત ડાયમંડ એક્સપોર્ટમાં અગ્રણી છે, પરંતુ તેનાથી સંતોષ માનવાનો નથી. સુરત આગળ વધશે તો ગુજરાત આગળ વધશે અને ગુજરાત આગળ વધશે તો ભારત દેશ આગળ વધશે. સુરતના લોકો મોદીની ગેરંટીને જાણે છે. સુરતે ગેરંટીને હકીકતમાં બદલાતી જોઇ છે. પહેલા વિદેશમાં વેપાર કરવામાં મુશ્કેલી નડતી હોવાનું કહેવાતું હતું. વેપારીઓની સમસ્યાને જોતાં ડાયમંડ ક્ષેત્ર માટે સ્પેશ્યલ નોટિફાઇડ ઝોનની જાહેરાત કરી હતી તેને કારણે ડાયમંડ બુર્સ બન્યું છે. સુરત સૌથી ઝડપી વિકસતા ટોપ-૧૦ શહેરોમાં સામેલ છે. 
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,હાલ સુધી ’મોદી હૈ તો મુમકીન હૈ’ એમ કહેવાતું, હવે વિકાસની ગેરેન્ટી એટલે મોદીજી એવો વિશ્વાસ દેશભરમાં પ્રસ્થાપિત થયો છે. ’વિકસિત ભારત2047’ના સંકલ્પ સાથે વડાપ્રધાનએ દેશમાં વિકાસનો નવો ઈતિહાસ રચ્યો છે એમ જણાવી રાજ્યની જનતાને તેમના દીર્ઘદ્રષ્ટિયુક્ત નેતૃત્વનો લાભ બે દાયકાથી મળતો રહ્યો છે. આ બે દાયકામાં વડાપ્રધાનએ ‘જે કહેવું તે કરવું’ એવા કાર્યમંત્ર સાથે ’ડ્રીમને ડિલિવરી’ સુધી લઈ જવામાં સફળતા મેળવી છે. પરિણામે તેમના  નેતૃત્વમાં રાજ્યમાં વેપાર-વાણિજ્ય-ઉદ્યોગો, કૃષિ, ગ્રામ વિકાસ, અંત્યોદય દરેક ક્ષેત્રમાં સતત અવિરત વિકાસ થતો રહ્યો છે. ડાયમંડ બુર્સના ચેરમેન અને કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઈ લખાણીએ વડાપ્રધાન, મુખ્યમંત્રીનું સ્વાગત કરતા જણાવ્યું કે, સુરત ડાયમંડ કટિંગ અને પોલિશીંગનું હબ હોય તો ટ્રેડિંગનું હબ કેમ ન બની શકે.


સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ


કુલ 25,520 ચો.મીટરમા વિસ્તરેલા અને હાલમાં જ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો પામેલું સુરત એરપોર્ટ પરંપરા અને આધુનિકરણનો શ્રેષ્ઠ નમૂનો છે. એરપોર્ટ પર બમણી ઇન્સ્યુલેટેડ રૂફિંગ પ્રણાલી, ઉર્જાની બચત માટે કેનોપી, LED લાઇટ, લો ફિટ ગેઇન ડબલ ગલેઝિંગ, વરસાદી પાણીના સંગ્રહણી વ્યવસ્થા તેમજ સુએઝ ટ્રીટમેન્ટ એકમ એરપોર્ટની વિશેષતાઓ દર્શાવે છે. સાથે જ ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. મુસાફરો માટે 20 ચેક-ઈન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઈમિગ્રેશન કાઉન્ટર, 500 કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1800 મુસાફરો અને વાર્ષિક 35 લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related