ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ગુજરાત રાજ્ય બિન–નિવાસી ગુજરાત પ્રતિષ્ઠાન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ સુરત ખાતે કાર્યરત એનઆરજી સેન્ટરના સંયુક્ત ઉપક્રમે શનિવાર, તા. ર૯ જૂન, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કામરેજની વિસ્ડમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘NRI મેરેજ અવેરનેસ’સેમિનાર યોજાયો હતો. જેમાં સુપ્રીમ કોર્ટના વકીલ પ્રિતિબેન જોશીએ વિદેશમાં સ્થાયી થયેલા યુવકો સાથે લગ્ન કરવા ઈચ્છુક યુવતીઓને કેટલીક મહત્વની તકેદારીઓ વિશે માહિતી આપી હતી.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લગ્ન વ્યવસ્થા ખૂબ સુચારુ સ્વરૂપે ભારતીયો સાથે જોડાયેલી છે. હાલના ડિજીટલ યુગમાં સંબંધો ખૂબ ઝડપથી વિસ્તારે છે. પરિચય કેળવાતા, પરિપકવ થતા તે સંબંધ લગ્નમાં પરિણમે ત્યારે અનેક સાવચેતીઓ રાખવી જરૂરી છે અને જ્યારે લગ્ન સંબંધ વિદેશ સ્થાયી થયેલી વ્યક્તિ સાથે જોડાવાના હોય ત્યારે વધુ આગમચેતી રાખવી જરૂરી બને છે. કેમ કે, એક ખોટો નિર્ણય દીકરીઓનું સંપૂર્ણ જીવન બરબાદ કરી શકે છે.
બિન–નિવાસી ગુજરાત પ્રતિષ્ઠાન, ગાંધીનગરના સિસ્ટમ મેનેજર શ્રી ચિંતન પ્રજાપતિએ પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
મુખ્ય વકતા સુપ્રિમ કોર્ટના વકીલ પ્રિતિબેન જોશીએ જણાવ્યું હતું કે, દિન પ્રતિદિન ભારતમાંથી વિદેશ જઇને વસનારાઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે અને તેની સાથે લગ્નમાંથી ઉભી થતી સમસ્યાઓનો પણ વધારો થઇ રહયો છે અને તેને કારણે કેટલીક વખત જટિલ પ્રશ્નો ઉભા થતા હોય છે. બિન નિવાસી ભારતીયો સાથેના લગ્નની બાબતમાં માત્ર ભારતીય કાયદા જ નહીં, પરંતુ જે તે દેશની વધુ જટિલ કાનૂની પ્રથા સાથે જોડાયેલા ખાનગી અને આંતરરાષ્ટ્રીય કાયદા પણ લાગુ પડતા હોય છે, આથી આવા લગ્નોમાં જોખમ વધુ રહે છે.
ભાષાની મર્યાદા, સ્થાનિક પોલિસ અને કાનૂની પ્રથાની જાણકારીનો અભાવ અને ઝડપી મળી રહે તેવી નાણાંકીય સહાય તેમજ મુશ્કેલીના સમયમાં આશ્રય મેળવી શકાય એવા સ્થાનનો અભાવ જેવી અનેક સમસ્યાઓનો સામનો યુવતિઓને કરવો પડે છે, આથી યુવતિઓએ જે દેશમાં પરણવું હોય ત્યાંની ભાષા, ખોરાક, સંસ્કૃતિ, જીવનશૈલી અને ઘરના માહોલને ધ્યાનમાં રાખીને જ પરણવું જોઇએ. જે યુવાન સાથે પરણવું છે તેના વિષેની ચોકકસ માહિતી મેળવવી જોઇએ. તેમણે યુવતિઓને વિદેશમાં લગ્ન કરતા પહેલા મહત્વની તકેદારી રાખવાની સલાહ આપી હતી.
તેમણે કહયું હતું કે, લગ્ન માટે કોઇ બ્યુરો, એજન્ટ, દલાલ કે મધ્યસ્થી પર આંધળો વિશ્વાસ ન મૂકવો. કોઇ પણ કારણોસર બનાવટી દસ્તાવેજો કરવા માટે તૈયાર ન થવું, લગ્નના આધારે ગ્રીનકાર્ડ મેળવી આપવાના વચનોથી ભોળવાઇ જઇ લગ્ન નહિ કરવા, બીજા દેશમાં જઇ લગ્ન કરવાનો પ્રસ્તાવ ન સ્વીકારવો, વિદેશમાં રહેતી વ્યકિતનો લગ્ન દરજજો એટલે કે વ્યકિત કુવારી છે, છુટાછેડા કે વિધુર/વિધવા છે, ત્યકતા છે વિગેરેની ચકાસણી કરવી જોઇએ. આ ઉપરાંત ઇમીગ્રેશન સંબંધી સ્થિતિ, વીઝાના પ્રકાર, વિદેશમાં રહેવા તથા પતિ – પત્ની તરીકેની પાત્રતા, નાણાંકીય સંબંધી સ્થિતિ, સંપત્તિ, રહેઠાણનું સરનામું અને કુંટુંબની પાર્શ્વભૂમિ વિગેરે મુદ્દાઓની તકેદારીપૂર્વક ચકાસણી કરવી જોઇએ.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી પરેશ લાઠીયાએ મુખ્ય વકતાનો પરિચય આપ્યો હતો. ચેમ્બરના એનઆરજી સેન્ટરના ચેરમેન શ્રી કલ્પેશ લાઠિયાએ સમગ્ર સેમિનારનું સંચાલન કર્યું હતું. આ સેમિનારમાં ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી કિરણ ઠુમ્મર, ચેમ્બરની એનઆરજી કમિટીના કો–ચેરમેન શ્રી ચેતન શેઠ, વિસ્ડમ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેકટર શ્રી નરેશ લકકડ અને વિશ્વ ભારતી ગર્લ્સ કોલેજના પ્રતિનિધિ સુશ્રી કરિશ્મા પટેલ અને પ૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. મુખ્ય વકતા વકીલ પ્રિતિબેન જોશીએ વિદ્યાર્થીનિઓના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login