આવતા વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિનું પ્રમુખપદની ચૂંટણી થશે. આ ચૂંટણીમાં રિપબ્લિકન નોમિનેશનની રેસમાં સતત આગળ વધી રહેલા નિક્કી હેલીએ હવે ભારતીય અમેરિકન સમુદાયને આકર્ષવા માટે એક નવી યોજના બનાવી છે. હાલમાં જ રિપબ્લિકન પાર્ટીના સંભવિત દાવેદારોને લગતા કેટલાક રિસર્ચમાં દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલી ઘણાં આગળ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ કેટલાક મતદાનો તેમને આયોવામાં બીજા સ્થાને અને ન્યૂ હેમ્પશાયર કોકસમાં પ્રથમ જગ્યાએ મૂકે છે, જે પ્રમુખપદની નોમિનેટિંગ પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ઐતિહાસિક રીતે આયોવા અને ન્યુ હેમ્પશાયરએ અગત્યની ભૂમિકા ભજવી છે કારણ કે આ રાજ્યોના મતદારો રિપબ્લિકન અને ડેમોક્રેટિક ઉમેદવારોને પસંદ કરવામાં પ્રથમ પગલું ભરે છે. જો કે, ઘણા સર્વે અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નિક્કી કરતાં આગળ બતાવી રહ્યા છે. હ્યુસ્ટનમાં નિક્કી હેલી માટે ફંડ રેઈઝર દરમ્યાન ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ જીતેન અગ્રવાલે વાતચીતમાં જણાવ્યું હતું કે, નિક્કી હેલીની સ્થિતિ નિઃશંકપણે મજબૂત થઈ રહી છે. તેથી જ GOP ચર્ચામાં રોન ડીસેન્ટિસ અને વિવેક રામાસ્વામી તેમના પર આક્રમક રીતે હુમલો કરી રહ્યા છે. તેઓ સતત ટ્રમ્પની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ કોઈ રીતે સફળ થતા નથી.
હેલીએ આ અભિયાનની શરૂઆત 2023માં કરી ત્યારથી અત્યાર સુધી તેઓ સતત આગળ વધી ગયાં છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં સમગ્ર અમેરિકામાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન સહિત ભારતીય-અમેરિકન સમુદાયે તેમના અભિયાનને ખૂબ જ સમર્થન આપ્યું છે. ટેક્સાસ અને ન્યૂયોર્કના ભારતીય અમેરિકન સમુદાય નિક્કીના સૌથી મોટા યોગદાનકર્તા તરીકે ઉભરી આવ્યા છે. જો કે, ફંડ ભેગું કરવાના મામલે તે હજુ પણ ટ્રમ્પ અને ડીસેન્ટિસથી પાછળ છે. આ સ્થિતિમાં હેલીની ટીમ આવતા વર્ષની શરૂઆતમાં સમગ્ર અમેરિકામાં ભારતીય-અમેરિકનો સુધી વ્યાપક રીતે પહોંચવાનું આયોજન કરી રહી છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login