આજના ઝડપી, ડિજીટલ ટેકનોયુગમાં શિક્ષણનું મહત્વ દિનપ્રતિદિન ખૂબ વધી રહ્યું છે. પુસ્તકીયા જ્ઞાન સાથે વ્યવહારૂ જ્ઞાન ઘરાવતા બાળકનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે છે, ત્યારે ગમ્મત સાથે જ્ઞાન આપી ભણતર અને ગણતરનો અદભૂત સુમેળ સાધતી સુરતના કામરેજ તાલુકાની ‘નવી પારડી પ્રાથમિક શાળા’ અનેક શાળાઓ માટે આદર્શ ઉદાહરણ છે. શાળાનું અદ્યતન બાંધકામ, કમ્પ્યુટર લેબ, ડિજિટલ ક્લાસરૂમ અને સમગ્ર શાળામાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીએ આ શાળાને ‘સ્માર્ટ શાળા’માં ફેરવી નાંખી છે. મહાન ઋષિમુનિઓ અને વૈજ્ઞાનિકોના નામ ધરાવતા વિષયવાર વર્ગખંડો સ્માર્ટ બોર્ડની સાથે સી.સી.ટીવી અને લાઉડ સ્પીકર ધરાવે છે. હરિયાળું કેમ્પસ, સ્વચ્છતા, ફાયર સેફટી, પુસ્તકાલય, આર.ઓ વોટર ટેન્ક, ૩૨ સીસીટીવી કેમેરા પણ શાળાની વિશેષતાઓમાં ઉમેરો કરે છે.
૧૯૭૩થી કાર્યરત નવી પારડી પ્રાથમિક શાળામાં હાલ ૨૪૩ છોકરાઓની સામે ૨૪૯ છોકરીઓ મળી કુલ ૪૯૨ બાળકો બાળવાટિકાથી ધો.૮ સુધી અભ્યાસ કરે છે. જેમાં આજુબાજુના ૭ ગામોના બાળકોનો પણ સમાવેશ થાય છે. નવી પારડી પ્રા.શાળાએ ૨ જિલ્લા કક્ષા અને ૧ રાજ્ય કક્ષા મળી કુલ ૩ વખત સ્વચ્છતા એવોર્ડ તેમજ ગત વર્ષે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે દ્વિતીય ક્રમાંકનો ઍવોર્ડ પણ મેળવ્યો છે.
શાળાની આગવી શિક્ષણ પદ્ધતિ અંગે આચાર્ય શ્રીમતિ ચૈતાલીબેન ભાવસાર જણાવે છે કે, અહીં બાળકોને અધ્યયન નિષ્પત્તિ આધારિત ટીચિંગ લર્નિંગ મેથડ(TLM) દ્વારા વિવિધ વિષયોની સમજ અપાય છે. થિયરી સહિત પ્રેક્ટિકલ જ્ઞાન આપવાથી બાળકની સમજશક્તિ મજબૂત બને છે. વધુમાં ભણતરની સાથે તેમના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતા અમે વિવિધ કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ અવારનવાર યોજીએ છીએ. દર મહિને વિશેષ દિવસોની ઉજવણી, તાલુકા-જિલ્લા કે રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ, પ્રદર્શન વગેરેમાં ભાગ લેવા પણ વિદ્યાર્થીઓને તક અને પ્રોત્સાહન આપીએ છે.
તેમણે ઉમેર્યું કે, શાળાના પ્રાંગણમાં કિચન ગાર્ડન અને ઔષધિ ગાર્ડનના નિર્માણ અને તેની દેખરેખની પ્રવૃત્તિઓમાં પણ બાળકો સક્રિય ભાગીદારી નોંધાવે છે. જે તેમને પર્યાવરણનું બાહ્ય જ્ઞાન અને જવાબદારીની સમજ પૂરી પાડે છે. સાથે જ શાળાના બગીચામાં થતી ઔષધિનો ઉપયોગ શાળાના શિક્ષકો સહિત દરેક વિદ્યાર્થી પણ કરે છે. અને અહીં ઊગતા શાકભાજીનો ઉપયોગ મધ્યાહ્ન ભોજન યોજનામાં બનતા ભોજનમાં કરાય છે, જે તેમનામાં ‘સૌ સહુનું સહિયારૂ’ની ભાવના કેળવે છે.
શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વિષે વાત કરતાં આચાર્યશ્રી જણાવે છે કે, શાળાઓના નવીનીકરણ બાદ લોકો ખાનગી શાળાની જગ્યાએ અમારી સરકારી શાળા તરફ આકર્ષાયા છે, જેથી બાળકોની સંખ્યામાં પહેલા કરતાં ધરખમ વધારો થયો છે. પહેલા જ્યાં બાળકોની સંખ્યા ૩૫૦ આસપાસ રહેતી એ હવે છેલ્લા કેટલાક વર્ષોથી સરેરાશ ૫૦૦ જેટલી થઈ છે. જે સરકારી શાળાઓ માટે હકારાત્મક ટર્નિંગ પોઈન્ટ છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા અપાતી અદ્યતન ટેકનોલોજીયુક્ત સંસાધનો અને ભૌતિક સુવિધાઓ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. વિશેષત: આચાર્યશ્રીએ ઉમેર્યું કે, ગામેગામ પહોંચેલી રાજ્યસરકારની 'નળ સે જળ' યોજનાને કારણે સવારે ઉઠી પાણી ભરવાની નિત્ય ક્રિયામાં રોકાઈ રહેતી દિકરીઓ હવે નિશ્ચિંત થઈ શિક્ષણમાં પરોવાઈ છે. જેના કારણે શાળામાં ઉત્તરોઉત્તર દીકરીઓની સંખાયામાં વધારો નોંધાયો છે.
કામરેજ તાલુકાની નવી પારડી ‘સ્માર્ટ’ પ્રાથમિક શાળા / માહિતી વિભાગ, ગુજરાત.શાળાના પ્રાંગણમાં વિશેષરૂપે ટાઇલ્સ બ્લોકની ગોઠવણ, વર્ગખંડોની બહાર બ્રેઈલ લિપી લખાણ અને દિવ્યાંગ ટોઇલેટ સહિતની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સુવિધા ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. શાળાના દરેક માળ પર પૂર, ભૂકંપ, આગ, વા-વંટોળ કે વાવાઝોડું, વીજળી સહિતની કુદરતી કે માનવસર્જિત આકસ્મિક પરિસ્થિતિઓ માટે આપત્તિ વ્યવસ્થાપન પ્લાન પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સાથે જ આપત્તિના સમયે પ્રાથમિક મદદ માટેના દરેક ફોન નંબરો, બચાવ અમને સુરક્ષાના પગલાઓ જેવી વિગતો લાઈવ ડિસ્પ્લે થાય છે. તેમજ વિવિધ આપત્તિના સમયનું યોગ્ય માર્ગદર્શન આપી દર મહિને બાળકોની ભાગીદારી સાથેની લાઇફ સ્કીલ માટેની મોકડ્રીલ યોજવામાં આવે છે.
શિક્ષણ પદ્ધતિ હોય કે આધુનિક સુવિધા ‘જ્ઞાનના મંદિર’ની પરિભાષાને સર્વસાર્થક કરતી નવી પારડી પ્રાથમિક શાળા સાચે જ એક આદર્શ પ્રાથમિક શાળા હોવાની સાબિતી પૂરી પાડે છે.
‘આધુનિક ટેકનોલોજીથી સજ્જ શાળામાં અમે સ્માર્ટ ક્લાસ વડે શિક્ષણ મેળવી છીએ’: વિદ્યાર્થિની પ્રાચી વસાવા: નવી પારડી પ્રા.શા.ની ધો.૭ની વિદ્યાર્થિની પ્રાચી જણાવે છે કે, અમારી શાળા આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોવાથી અમને સ્માર્ટ ક્લાસ વડે શિક્ષા આપવામાં આવે છે. સાથે જ શાળામાં અમને શિક્ષણ સિવાય કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ પણ કરાવે છે. જેથી અમે કંઈક નવીન શીખવાની તક મળે છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login