ભારતીય ધનાઢ્યોની યાદીમાં માત્ર 72 કલાકમાં ઉલટફેર થઇ ગયો છે અને ગૌતમ અદાણીને પછાડી ધનકુબેરોની યાદીમાં મુકેશ અંબાણી ફરી આગળ નીકળી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ 8 જાન્યુઆરી, 2024ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 97.5 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના નંબર – 1 ધનાઢ્ય છે.
નોંધનીય છે કે ગત સપ્તાહે ધનાઢ્યોની યાદીમાં અંબાણીને પછાડી અદાણી આગળ નીકળી ગયા હતા. બ્લૂમબર્ગ બિલિયોનરના આંકડા અનુસાર મુકેશ અંબાણી દુનિયાના ધનાઢ્યોની યાદીમાં હાલ 12માં ક્રમે છે. તો સંપત્તિમાં ધોવાણ થવાથી ગૌતમ અદાણી વિશ્વના ધનકુબેરોની યાદીમાં 12માં ક્રમેથી 14માં ક્રમે આવી ગયા હતા.
મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના અગ્રણી ઉદ્યોગપતિ છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની સંપત્તિ તાજેતરમાં 53.6 કરોડ ડોલર વધીને 97.5 અબજ ડોલર થઇ છે. આ સાથે એક વર્ષમાં અત્યાર સુધીમાં અંબાણીની નેટવર્થમાં 12 ટકા અથવા 1.20 અબજ ડોલરનો વધારો થયો છે. જ્યારે ગત શુક્રવારે અંબાણીની સંપત્તિ 97 અબજ ડોલર હતી.
તો ગત શુક્રવારે ભારતના નંબર-1 ધનિક બનેલા ગૌતમ અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 3.09 અબજ ડોલરનું ધોવાણ થયું છે. જેના કારણે ધનાઢ્યોની યાદીમાં તેમની પીછેહઠ થઇ છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેકસ અનુસાર ગત શુક્રવારે અદાણીની સંપત્તિ 97.6 અબજ ડોલર હતી, જે 8 જાન્યુઆરી, 2024, સોમવારના રોજ ઘટીને 94.5 અબજ ડોલર થઇ ગઇ છે. આમ એક દિવસમાં અદાણીને 3.09 અબજ ડોલરનું નુકસાન થયું છે. આ સાથે છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિ 10.2 અબજ ડોલર વધી છે.
દુનિયાના ધનિકોની યાદીમાં અમેરિકાનો દબદબો રહ્યો છે. ટોપ-10 બિલિયોનર્સમાં 9 અમેરિકન ધનાઢ્યો છે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે ટેસ્લા કંપની અને ટ્વિટરના માલિક એલોન મસ્ક, તેમની પાસે 219 અબજ ડોલર સંપત્તિ છે. તો એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ 170 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે અને ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટ 167 અબજડોલરની સંપત્તિ સાથે દુનિયાના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login