લોકસભાની ચૂંટણી અંતર્ગત ત્રીજા તબક્કામાં આગામી 7 મે ના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. ગુજરાતમાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાષ્ટ્રીય નેતાઓ પણ છેલ્લા તબક્કાના પ્રચારમાં જોતરાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા છે. પહેલી મે ગુજરાત સ્થાપના દિવસના દિનથી તેમણે તેમના ગુજરાત ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. ડીસામાં ચૂંટણી સભા ગજવ્યા બાદ વડાપ્રધાન મોદી સાબરકાંઠાના હિંમતનગર પહોંચ્યા હતા. અહીં ચૂંટણી સભાને સંબોધતા તેમણે ફરી એકવાર કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
હિંમતનગરની સભામાં પહોંચેલા નરેન્દ્ર મોદીએ મંચ પર પોતાનો સંબોધન શરૂ કરતાં જ "કેમ છો મારા સાબરકાંઠા વાળા" કહીને પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મને ક્યાં તમારે જોવાનું બાકી છે. સાબરકાંઠા જોડે મારે તો જૂનો નાતો છે. પેઢીઓ બદલાઈ ગઈ પણ સાબરકાંઠા વાળાઓ નો પ્રેમ મારા પર એવો ને એવો જ છે. મને તમારી પર ભરોસો છે દુનિયા મને વડાપ્રધાન તરીકે ઓળખે છે. પણ હું દેશ માટે એક સેવક છું. હું સાબરકાંઠા અનેકવાર આવ્યો છું. પણ આજે હું આપણી પાસે માંગવા આવ્યો છું. સરકારી કામો માટે આવ્યો હોત તો કહું કે આપવા આવ્યો છું, પરંતુ કોઈક વાર માંગવા તો આવવું જોઈએ ને. આ વખતે મને તમારા આશીર્વાદ જોઈએ છે. સંસદમાં મને ગુજરાતના બધા જ સાથીઓની જરૂર છે. દેશ ચલાવવા માટે મને સાબરકાંઠા અને મહેસાણા બંને જોઈએ છે. 2014માં તમે મને દિલ્હી મોકલ્યો હતો તો નાના મોટા કામ માટે થોડો મોકલ્યો હતો. આજે દેશની સેવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યો છું.
કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ વાળા કહેતા હતા કે રામ મંદિર બનશે તો દેશમાં આગ લાગી જશે, રામ મંદિર આજે બની ગયું છે. ક્યાંય કશું થયું દેશમાં ? ક્યાંય આગ નથી લાગી પરંતુ કોંગ્રેસના દિલમાં જે આગ લાગી છે. તે કોઈ ઓલવી નહીં શકે. વધુમાં તેમણે કહ્યું કે, રામ મંદિરના ટ્રસ્ટીએ મંદિરના વિરોધીઓને માફ કર્યા. પણ આ વિરોધીઓએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ફગાવી દીધું. કોંગ્રેસના લોકોએ પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે રામની પ્રાણ પ્રતિષ્ઠા નું આમંત્રણ સ્વીકાર્યું નહીં. કશ્મીરમાંથી આર્ટીકલ 370 હટી અને ક્યાંય પણ લોહી નથી વહ્યું. તેમણે કહ્યું કે મોદીને ડરાવવાના ખેલ બંધ કરી દો.
કોંગ્રેસને આડે હાથ લેતા તેમણે કહ્યું કે, આજે પણ કોંગ્રેસ પોતાની હરકતો માંથી બહાર નથી. આવતી તેઓ ચૂંટણી હારી જાય તો બહાનું કાઢે છે. ઇવીએમ ઉપર જ પ્રશ્ન કરે છે અને જીતી જાય તો ચૂપ થઈ જાય છે. કોંગ્રેસ ફેક વિડીયો ચલાવે છે એમની વાત કોઈ સાંભળતું નથી એટલે મોદીનો ચહેરો રાખીને જુઠ્ઠા વિડીયો વાયરલ કરે છે. કોંગ્રેસ અને કોંગ્રેસનું ગઠબંધન ફેક છે. પહેલા અને બીજા ચરણમાં જે મતદાન થયું તેનાથી કોંગ્રેસના હોશ ઉડી ગયા છે.
વીજળી અને પેટ્રોલ વિશે પણ નરેન્દ્ર મોદીએ અહીંના લોકોને સંબોધન કરતા તેમને કહ્યું કે, મારે તમારું વીજળીનું બિલ અને પેટ્રોલ નું બિલ 0 કરવું છે. વાતો હવામાં નથી કરતો, મારી પાસે યોજના છે. પીએમ સૂર્ય જલ અંતર્ગત પૈસા આપે છે અને તમે સોલારની મદદથી વીજળી પેદા કરો તમને જોઈતી વીજળી વાપરો વધારાની વીજળી સરકાર ખરીદશે અને તમે કમાણી કરશો અને પેટ્રોલ બાબતે તેમણે કહ્યું કે, જમાનો ઇલેક્ટ્રીક વ્હીકલનું આવવાનો છે ઘરમાં વીજળી છે તેનાથી તમારું વાહન ચાર્જ થઈ જાય છે. એક રૂપિયાનો ખર્ચ નથી આનાથી મધ્યમ વર્ગનું જીવન કેટલું બદલાશે.
સભાના અંતે નરેન્દ્ર મોદીએ તમામને મતદાન કરવા માટે વિનંતી કરી હતી કે, ગરમી કેટલી પણ હોય પહેલા મતદાન કરવા જજો પછી જલપાન કરજો. તેમણે અહીંના લોકોને એક કામ પણ સોંપ્યું હતું તેમણે કહ્યું કે ચૂંટણીમાં ગામેગામ જાઓ અને લોકો મળે કે જેમને ઘર ના મળ્યું હોય તેમને કહેજો કે, આપણા મોદીભાઈ આવ્યા હતા અને કીધું છે કે ત્રીજી વાર વડાપ્રધાન બનશે એટલે તમને મકાન મળી જશે, ગેસ મળી જશે, નલ સે જલ મળી જશે. મારા વતી તમે કહી દેજો. મેં તમને કોરો ચેક આપ્યો છે.
ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ પૂર્ણ કરીને વડાપ્રધાન હિંમતનગરની સભા પૂર્ણ કર્યા બાદ બાય રોડ ગાંધીનગર જવા રવાના થયા હતા. જ્યાં ગાંધીનગર રાજભવન ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે આણંદ, વઢવાણ, જુનાગઢ અને જામનગર ખાતે ચૂંટણી પ્રચાર અર્થે સભાને સંબોધશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login