ગુજરાતના જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાનું ખૂબ મહત્ત્વ છે. દર વર્ષે સાધુ સંતો આ મેળાની રાહ જોતા હોય છે અને મેળા દરમ્યાન મોટાપાયે જૂનાગઢની તળેટીમાં ભવનાથ પાસે સાધુ સંતોનો જમાવડો જોવા મળે છે. અનેક ભક્તો પણ ગીરનારની ગોદમાં ખાસ શિવજીના દર્શને અને મેળામાં ભાગ લેવા જૂનાગઢ આવે છે ત્યારે ૫ માર્ચની સવારે મેળાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. વહેલી સવારે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કરીને શિવરાત્રીના મેળાનો શરુઆત કરાઇ. જેમાં ખૂબ મોટી સંખ્યામાં સાધુસંતો ઉપસ્થિત રહ્યા હતાં. ચાર દિવસ સુધી હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી જૂનાગઢ ગુંજી ઉઠશે. પ્રાચીન પરંપરા અનુસાર મહાદેવ પર ધ્વજારોહણ કર્યા બાદ મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થતો હોય છે. શિવરાત્રીના દિવસે મધ્યરાત્રીએ મૃગીકુંડમાં નાગાસન્યાસીઓના સાહિતાન સાથે શિવરાત્રીનો મેળો પૂર્ણ થતો હોય છે. આ મેળો શિવરાત્રીના દિવસે ૮ માર્ચે પૂર્ણ થશે.
પ્લાસ્ટિક પ્રદૂષણ ખાળવાના પ્રયાસ : ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં લોકો આ મેળામાં આવે છે ત્યારે પ્લાસ્ટિક પ્રદૂષણને લઇને આ વર્ષે ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ગિરનાર પર્વત અને સમગ્ર અભયારણ્ય પ્લાસ્ટિક પ્રદુષણમુક્ત બને તે માટે રાજ્યની વડી અદાલત દ્વારા પણ આદેશ કરાયા છે. જેને લઇને પ્લાસ્ટિક ફ્રી અભિયાન જૂનાગઢ તંત્ર દ્વારા શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં હવે જૂનાગઢના યુવા કલાકારો પણ જોડાયા હતાં. ભવનાથ તળેટી વિસ્તારની દીવાલો પર પ્લાસ્ટિક મુક્ત અભયારણ્ય અને મહાશિવરાત્રી મેળો તેવા ઉદ્દેશ્ય સાથેના પેઈન્ટિંગ્સ તૈયાર કરવામાં આવ્યાં છે.
ચાર દિવસના આ લોકમેળા દરમ્યાન વિવિધ કલાકારો અહીં લોકડાયરો અને લોકગીતોની જમાવટ કરશે તેમાં સાંઇરામ દવે, ભૂમિ ત્રિવેદી જેવા અનેક કલાકારો રોજ સાંજે મેળામાં આવેલા લોકોનું મનોરંજન કરશે.
બીજીતરફ મેળામાં આવતાં ટ્રાફિકનું સંચાલન થઈ શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તે મુજબ ભવનાથ તળેટીમાં વાહન પ્રવેશથી લઈને વાહનના પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ટ્રાફિકનું સુચારું સંચાલન થઈ શકે તેમજ કોઈ પણ વ્યક્તિ કે વાહન ટ્રાફિક જામમાં મેળાના ચાર દિવસો દરમિયાન ન ફસાય તે માટે આયોજન કર્યું છે. મહાશિવરાત્રીના મેળામાં ચાર દિવસ દરમિયાન દર વર્ષે અંદાજિત 15 લાખની આસપાસ લોકો આવતા હોય છે. આટલી મોટી સંખ્યામાં આવતા લોકો વાહનો પણ સાથે લાવતા હોય છે. ત્યારે વાહનો કોઈ પણ પ્રકારની ટ્રાફિક જામની કે અન્ય મુશ્કેલી ન સર્જે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ અગાઉથી આયોજન કર્યું છે અને નિર્ધારિત સ્થળે વાહનોના પ્રવેશથી લઈને પાર્કિંગ અને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login