દેશમાં ઈક્વિટી માર્કેટસમાં રેલીને પગલે ડીમેટ ખાતાની સંખ્યામાં પણ જોરદાર વધારો થતો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષના અંતે ડીમેટ ખાતાની કુલ સંખ્યા વધી ૧૩.૯૦ કરોડ પર પહોંચી ગઈ હતી. ડિસેમ્બરમાં કુલ ૪૨ લાખ નવા ખાતા ઉમેરાયા હતા, એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. આ ઉપરાંત ૨૦૨૪માં વિશ્વભરના શેરબજારોમાં થયેલા નવા લિસ્ટિંગમાંથી સૌથી વધુ લિસ્ટિંગ એશિયા-પેસિફિક ખાસ કરીને ભારતમાં જોવા મળ્યા છે. વૈશ્વિક સ્તરે પણ ભારત પ્રથમ રહ્યું છે. ૨૦૨૪ના પ્રારંભથી અત્યારસુધી વિશ્વભરના એકસચેન્જોમાં થયેલા ૩૮ લિસ્ટિંગમાંથી ૩૪ લિસ્ટિંગ એશિયા પેસિફિકમાં થયા છે.અમેરિકામાં ત્રણ જ્યારે મધ્ય પૂર્વમાં એક આઈપીઓ આવ્યો છે જ્યારે યુરોપમાં એકપણ નવા ભરણાં જોવા મળ્યા નથી.
આઈપીઓની દ્રષ્ટિએ ૨૦૨૩ની ગતિને ભારતે ૨૦૨૪માં પણ જાળવી રાખી છે. નવા વર્ષના પ્રથમ પખવાડિયામાં એશિયા-પેસિફિકમાં ભારતમાં ૧૧ લિસ્ટિંગ થયા છે જ્યારે ચીનમાં આઠ તથા ઈન્ડોનેશિયામાં સાત આઈપીઓ આવ્યા છે.
એશિયા પેસિફિકમાં કુલ ૨૦૮ કરોડ ડોલરના જાહેર ભરણાં આવ્યા હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.
કેલેન્ડર વર્ષ ૨૦૨૩ની વાત કરીએ તો તેમાં મહિને સરેરાશ ૨૬ લાખ નવા ડીમેટ ખાતા ખૂલ્યા હતા. નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં નવા ડીમેટ ખાતા ખોલવાની સંખ્યામાં પચાસ ટકા વધારો થયો છે. ભારતીય શેરબજારમાં સેકન્ડરી માર્કેટ ઉપરાંત પ્રાઈમરી માર્કેટમાં તેજીને પરિણામે રોકાણકારોનો રસ સતત વધતો જાય છે. ખાસ કરીને રિટેલ તથા ુયુવા રોકાણકારો મૂડી બજાર તરફ આકર્ષાઈ રહ્યા છે. ૨૦૨૩માં જોરદાર રહ્યા બાદ વર્તમાન વર્ષમાં પણ આઈપીઓની સંખ્યા ઊંચી જોવા મળવાની શકયતા છે. ભારતીય શેરબજારના ઈન્ડેકસ રોજેરોજ નવી ઊંચી સપાટી દર્શાવી રહ્યા છે.
રોકાણકારોના સહભાગમાં વધારો ઉપરાંત, વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા તથા અર્થતંત્રમાં મજબૂતાઈથી શેરબજારમાં જંગી લિક્વિડિટી ઠલવાઈ રહી છે. એનએસઈ પર સક્રિય રોકાણકારોની સંખ્યા ડિસેમ્બરમાં વધી ૩.૬૨ કરોડ રહી હતી.
દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે વર્તમાન વર્ષમાં અત્યારસુધી નવા લિસ્ટિંગ મોટેભાગે એશિયાપેસિફિક શેરબજારોમાં જ થયા છે. એશિયા પેસિફિકમાં પણ સૌથી વધુ આઈપીઓ ભારતમાં જોવા મળ્યા છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login