ADVERTISEMENTs

પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ પર ક્ષત્રિયો અડગ.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથેની બેઠક બાદ ભાજપ સાથેની ક્ષત્રિય સમાજની બેઠક પણ નિષ્ફ્ળ જતા હવે રૂપાલાની ઉમેદવારી પર પ્રશ્નાર્થ?

પૂર્વ મંત્રી આર.સી.ફળદુ સાથે રૂપાલા / X @PRupala

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ બાબતે કરાયેલ વિવાદાસ્પદ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઠેર ઠેર રુપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે જ તેમની ઉમેદવારી પાછી ખેંચી અન્ય કોઈ ઉમેદવારને રાજકોટ બેઠક પર લડાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે.

શરૂઆતમાં આ વિવાદ રૂપાલાની માફી બાદ શમી જશે તેવું લાગ્યું હતું. પરંતુ 2 વાર માફી માંગ્યા બાદ પણ આ વિવાદ ન શમ્યો અને હવે આ મુદ્દે હવે ભાજપ હાઇકમાન્ડ પણ ક્યાંક એક્શનમાં આવ્યું છે. ગઈકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ક્ષત્રિય સમાજ ની મિટિંગ યોજાઈ હતી. આજે રાજપૂત સમાજની કોર કમિટીની મિટિંગ અમદાવાદના ગોતા ખાતે આવેલ રાજપૂત ભવનમાં યોજાઈ હતી. આ પેહલા એસજી હાઇવે પર આવેલી એક હોટલમાં રાજપૂત સમાજની કોર કમિટીની ટીમની બેઠક યોજાઈ હતી.રૂપાલા નો ખુલીને વિરોધ કરનાર રાજકોટના પદ્મીનીબા વાળા પણ આ મિટિંગ માટે અમદવાદ પહોંચ્યા હતા. તેમની સાથે અન્ય ચાર મહિલા સભ્યો પણ હાજર રહી હતી. જોકે આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો ન હતો અને બેઠક નિષ્ફળ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજપૂત સમાજની આ બેઠકમાં ભાજપના જ વરિષ્ઠ નેતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા તેમજ હકુભા જાડેજા, બળવંતસિંહ રાજપૂત, જયદ્રથસિંહ પરમાર, વીરભદ્રસિંહ જાડેજા, આઈ. કે. જાડેજા પણ હાજર રહ્યા હતા. બેઠક પત્યા બાદ ભુપેન્દ્રસિંહે મીડિયાને સંબોધન માં જણાવ્યું હતું કે, આજે અમે કોર કમિટી સાથે બેઠક કરી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. કોર કમિટી સાથે વાત કરી છે. રૂપાલાએ 30 મિનિટમાં માફી માગી હતી. ગોંડલ ખાતે માફી માગી હતી, પ્રદેશ પ્રમુખે પણ માફી માગી છે. અમે બાબતો કોર કમિટી સમક્ષ રજૂ કરી છે. બધાએ રજૂઆત કરી છે. બધાની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે એમ કહ્યું છે. આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા છે. એ અમને મંજૂર નથી, એમ કોર કમિટીએ કહ્યું છે, અમે પક્ષમાં રજૂઆત કરીશું. હવે પાર્ટી નિર્ણય લેશે. અમે પાર્ટીમાં અહીં બેઠકમાં જે વાત થઈ એ રજૂ કરીશું. આજે બેઠકમાં કોઈ નિર્ણય નહીં. ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માગ રૂપાલાની ટિકિટ કાપીને રાજકોટની સીટ પરથી ઉમેદવાર બદલવામાં આવે.

મળેલી બેઠકના કોર કમિટીના આગેવાન એવા કરણસિંહ ચાવડા એ બેઠક બાદ મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપ ક્ષત્રિય આગેવાનો અમને મળવા આવ્યા હતા. સમાજના આગેવાનોએ અમને કહ્યું હતું કે, તેઓ સરકાર અને ભાજપ તરફથી વાત કરવા માંગે છે. આજે જે બેઠક મળી તેમાં અમે તમામ રાજપૂત સંગઠનો વાટી રજૂઆતો કરી હતી. મુખ્ય અમારી રજૂઆત એક જ છે કે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં આવે અને જ્યાં સુધી તેમની ઉમેદવારી રદ્દ ન થાય અને નવો ઉમેદવાર ન મુકાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહેશે.

સમગ્ર ગુજરાતમાં રૂપાલાને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ થઇ છે. ભાજપના કેટલાક નેતાઓના પણ પ્રયાસો નિષ્ફળ જતાં હવે હાઇકમાન્ડ શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. જોવાનું એ રહેશે કે હવે ભાજપ હાઇકમાન્ડ ક્ષત્રિયોના નિર્ણય સામે ઝૂકીને પોતાનો નિર્ણય બદલે છે કે પછી આગામી દિવસોમાં કોઈક રીતે ક્ષત્રિય સમાજને માનવી લેવા કોઈ મોટા નેતાને મધ્યસ્થી કરવા મોકલવામાં આવે છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related