વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવ્યા હતા, આ દરમ્યાન સીધી રીતે આંખે ઉડી ને વળગે તેવી બાબત એ હતી કે, રાજકોટ બેઠક અને ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલ આંદોલનથી વડાપ્રધાને દુરી બનાવી રાખી હતી. તેમજ જામનગર ખાતેના કાર્યક્રમમાં રૂપાલાની ગેરહાજરી પણ આંખે ઉડીને વળગે તેવી હતી. વડાપ્રધાને પોતાના બે દિવસના પ્રવાસ દરમ્યાન 6 જેટલી જાહેરસભાઓ સંબોધી હતી. બીજા દિવસના પ્રચાર દરમ્યાન વડાપ્રધાન ચોથી અને છેલ્લી સભા માટે જામનગર પહોંચ્યા હતા. અહીં તેમણે સભાને સંબોધતા પહેલા જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન બાપુએ પીએમને પાઘડી પહેરાવીને આવકાર્યા હતા. મોદીએ પણ બાપુના ખબરઅંતર પૂછ્યા હતા.
જામસાહેબને મળ્યા બાદ સભામાં સંબોધન દરમ્યાન વડાપ્રધાને જામ રાજવીઓને યાદ કર્યા હતા અને કહયું હતું કે, જામ દિગ્વિજયસિંહે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના નાગરિકો્ને અહીં શરણ આપી હતી. પોલેન્ડના પાર્લામેન્ટનું સત્ર શરૂ થાય ત્યારે સૌથી પહેલા જામનગરનું સ્મરણ થાય છે.તેઓએ જે બીજ વાવ્યા તેના કારણે આજે પણ પોલેન્ડ સાથે આપણો સંબંધ મજબૂત થયો છે. વધુમાં કહ્યું હતું કે આપણા દેશ ભારતને અખંડ બનાવવા માટે રાજા મહારાજાઓ એ પોતાના રાજવાડાં આપી દીધા હતા. તેમના યોગદાનને દેશ ક્યારેય ન ભૂલી શકે.
ક્ષત્રિય સમાજના વખાણ કરતા મોદીએ સંબોધનમાં કહ્યું કે, આજે જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થઈ છે, એક વાર બહુ મહત્વની ઘટના બની. ભૂચરમોરીની યુદ્ધની વાત. મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યાં હતા. પછી મને કોઈએ કાનમાં કહ્યું કે, સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો. આતો અમારૂ કર્તવ્ય છે એટલે અમે નિમંત્રણ આપવામાં આવ્યા છીએ. મે કહ્યું કેમ નહીં આવું. તો કહ્યું કે, કોઈ મુખ્યમંત્રી નથી આવ્યાં. અમે બધા મુખ્યમંત્રીને આમંત્રણ આપીને ટ્રાઈ કરી લીધી છે. ત્યા એવી માન્યતા છે કે, જ્યા આટલા બધા પાળીયા હોય. પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈએ ભેળવી દીધું છે કે તમે ભૂચરમોરીના સ્થાને જાવ એટલે તમારૂ મુખ્યમંત્રીનું પદ જતું રહે, એટલા માટે ત્યા કોઈ મુખ્યમત્રી જતા ન હતા. ત્યારે મેં કહ્યું કે, મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ જ. અને હું આવ્યો હતો અને ખુબ ઉલ્લાસથી તે કાર્યક્રમને મે વધાવ્યો હતો. એટલે જામનગર સાથેની એવી અનેક યાદો સાથે હું આજે ફરી જામનગર આવ્યો છું.
એટલે એક રીતે જોવા જઈએ તો વડાપ્રધાને જામસાહેબને મળીને એક સૂચક મેસેજ આપ્યો છે, સાથે સાથે જામસાહેબ દ્વારા પહેરવાયેલી પાઘડી પહેરીને જ સભા સંબોધન દરમ્યાન ક્ષત્રિયો અને રાજા મહારાજાઓની વાતો ગર્વભેર કરી હતી. જેમાં ક્યાંકને ક્યાંક ક્ષત્રિયો ને એક રીતે મનાવવાનો પ્રયાસ થયો હોય તેવી ઝલક દેખાઈ હતી.
ક્ષત્રિયો છેલ્લા દોઢ મહિનાથી રૂપાલા ના વિરોધમાં જંગે ચઢ્યા છે. બીજી બાજુ ભાજપ પણ નમતું જોખવા તૈયાર નથી. વિરોધનો વંટોળ વધુને વધુ વકરી રહ્યો છે, ક્યાંક ક્ષત્રિયો દ્વારા ભાજપને પાડી દેવાની પણ વાત કરવામાં આવી છે. તો બીજી બાજુ ભાજપના નેતાઓ દ્વારા ક્ષત્રિયોને માનવી લેવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. ત્યારે ગુજરાત આવેલા વડાપ્રધાને જાતે મોરચો સાંભળીને ક્યાંક ક્ષત્રિયોને સૂચક સંકેત આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે એ તો આગામી 7 મેં ના રોજ થનાર મતદાન અને ત્યારબાદ 4 જૂનના રોજ ખુલનાર મતપેટીઓ જ બતાવશે કે કોણ સફળ રહ્યું.
Comments
Sam Patel
2024-05-03 00:00:00
This is a problem. India has no Kings, Rajas or Maharajahs. But I do recognize the transfer of the crown to Modi!