ADVERTISEMENTs

ડિફેન્સ સેક્ટરમાં મહિલાઓ માટે કાર્ય કરવું થોડું મુશ્કેલ હોય છે -નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર પ્રેરણા ચતુર્વેદી.

સ્વતંત્ર વિચારની આદત વ્યક્તિને નવી ઊંચાઈએ લઈ જાય છે, મહિલાઓએ પોતાની ક્ષમતાને જાણી તેના અનુસાર કાર્ય કરવા જોઈએ, તમે શું અને કેટલું કરી શકો તે જાણવું ખૂબ જ મહત્વનું છે : નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર પ્રેરણા ચતુર્વેદી.

સ્ક્વોડ્રોન લીડર પ્રેરણા ચતુર્વેદી સાથે ઈન્ટરેક્ટીવ સેશન / SGCCI

SGCCI ના લેડિઝ વિંગ અને વુમન આંત્રરપ્રિન્યોર સેલના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે સ્ક્વોડ્રોન લીડર પ્રેરણા ચતુર્વેદી સાથે ઈન્ટરેક્ટીવ સેશન યોજાયું હતું. 

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘મહિલાઓના સામાજિક જીવનમાં પહેલા કરતા અનેક ગણા ફેરફાર આવ્યા છે, જે મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે મહત્વના નિવડ્યા છે. અગાઉ મહિલાઓને નોકરી અને શિક્ષણ ક્ષેત્રે મળતી સમાનતાનું પ્રમાણ ઘણું ઓછું હતું. તે સ્થિતિમાં પુરૂષ સમોવડી થઈને એક નવા ક્ષેત્રમાં મહિલાઓની પ્રગતિ માટેના દ્વાર ખોલવામાં નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર પ્રેરણા ચતુર્વેદીનું મહત્વનું યોગદાન છે. પુરૂષો સમકક્ષ કામ કરી અને જીવનમાં મળતી કારકિર્દીની તકની જવાબદારી ચોકસાઈપૂર્વક નિભાવી અન્ય મહિલાઓ માટે તેઓ પ્રેરણારૂપ બન્યા છે.’

નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર પ્રેરણા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ’૯૦ ના દશકમાં સમાજમાં મહિલાઓના શિક્ષણ, નોકરી, પહેરવેશ અંગેની વિચારશૈલી ખૂબ જ ભિન્ન હતી, ત્યારે મહિલાઓના રહેવા-ફરવા પર અનેક પ્રકારની પાબંદીઓ હતી. લોકો મહિલાઓને પહેરવેશથી ક્રિટિસાઈઝ કરતા હતા. જીવનના પ્રસંગોને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, એક સમયગાળો એવો પણ હતો જ્યારે લખનૌ જેવા શહેરમાં પરિવારથી અલગ રહીને છોકરી પોતાનું શિક્ષણ પૂર્ણ કરે તે પણ એક મોટો પડકાર હતો. તે સમયે બ્રેકફાસ્ટ મળવાની સાથે જ એક્સરસાઈઝ કરવાના હેતુથી NCCમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો.’

સ્ક્વોડ્રોન લીડર પ્રેરણા ચતુર્વેદી / SGCCI

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘સ્વતંત્ર વિચારની આદત વ્યક્તિને નવી ઊંચાઈએ લઈ જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશનું પ્રતિનિધિત્વ કરવાના અવસરે મનમાં એક ગર્વની ભાવના હોવાની સાથે જ મનમાં આ તક કોઈ કારણસર ગુમાવવી ન પડે તેનો ડર પણ હતો. એરફોર્સમાં ડિફેન્સ સેક્ટરની પસંદગી કરવાની તક મળવાની સાથે જ તેના માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો અને ખૂબ જ પરિશ્રમ કરવા પડયા હતા. તે સમયે મહિલાઓ સામાન્ય નોકરીમાં પણ ગણ્યાગાંઠયા હતા ત્યારે ઇન્ડિયન આર્મીમાં અને એ પણ એર ફોર્સમાં સ્કવોડ્રન લીડર તરીકે નોકરી કરવી અશકય જેવી બાબત જણાતી હતી. પરંતુ, અદમ્ય સાહસ, શૌર્ય, ઇન્ટેલીજન્સ, ફરજ પ્રત્યે વફાદારી અને દેશદાઝની લાગણીને કારણે સ્કવોડ્રન લીડરનું સ્થાન પ્રાપ્ત થયું હતું અને તેને બખૂબી નિભાવીને નિવૃત્ત થયા હતા.

તેમણે મહિલાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ‘મહિલાઓએ પોતાની ક્ષમતાને જાણી તેના અનુસાર કાર્ય કરવા જોઈએ. તમે શું અને કેટલું કરી શકો તે જાણવું ખૂબ જ મહત્વનું છે. મહિલાઓને જ્યારે તક મળે છે, ત્યારે તેઓ કામમાં સો ટકા કાર્યક્ષમતા આપે અને કોઈ પણ કામ કરી શકે છે તેવો વિશ્વાસ નિર્માણ કરે છે તેવા સંજોગોમાં તેની હંમેશા પ્રગતિ થતી રહે છે. આર્મી, ડિફેન્સ સેક્ટરમાં મહિલાઓ માટે કાર્ય કરવું થોડું મુશ્કેલ હોય છે એટલે પરિવારની સાથે જ અન્ય સંબંધીઓ પણ ક્ષેત્ર બદલવા માટે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ઘણી વાર કાર્યક્ષેત્રે મહિલાઓને પુરૂષ સમોવડા થવા માટે અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે’ તેમ તેમણે જણાવ્યું હતું.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related