ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર અને પૂર્વ માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેઓ અનેક સરકારી અને ખાનગી સંસ્થાઓ તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓની સાથે મુલાકાત કરી સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના ઉદ્યોગકારો અને વેપારીઓને અમેરિકાના બિઝનેસમેનો સાથે ધંધાકીય રીતે જોડવાનો પ્રયાસ કરી રહયા છે. જેના ભાગ રૂપે રવિવાર, તા. ૧૪ એપ્રિલ ર૦ર૪ના રોજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે અમેરિકામાં પેન્સીલવેનિયા રાજ્યના પીટ્સબર્ઘ ટાઉનની મુલાકાત લઇ ત્યાં વસતા ગુજરાતી અગ્રણી બિઝનેસમેનો સાથે વન ટુ વન ઇન્ટરેકટીવ મિટીંગ કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સ સાથેની આ ઇન્ટરેકટીવ મિટીંગમાં પીટ્સબર્ઘના અગ્રણી બિઝનેસમેનો શ્રી જાદવભાઇ મોનપરા (ઇલેકટ્રોનિક ચીજવસ્તુઓના ઉત્પાદક), શ્રી ડી.કે. સુતરીયા, શ્રી સચિન કળથિયા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત પ્રેઝન્ટેશન આપીને મિશન ૮૪ના માધ્યમથી સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના ઉદ્યોગકારો અને વેપારીઓને અમેરિકાના બિઝનેસમેનો સાથે જોડવાનું જે નેટવર્ક ગોઠવ્યું છે તેના વિશે તેઓને માહિતી આપી હતી. મિશન ૮૪ અંતર્ગત ભારત અને અમેરિકાના ઉદ્યોગકારો એકબીજાની સાથે પરસ્પર કેવી રીતે જોડાય અને ભારતથી એક્ષ્પોર્ટ કેવી રીતે વધારી શકાય તેમજ અમેરિકામાં રહેલા બિઝનેસમેનોને કેવી રીતે ઉપયોગી થઇ શકાય તેની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા દ્વારા અગ્રણી બિઝનેસમેનોને મિશન ૮૪ના લક્ષ્ય અંગેની જાણકારી આપવામાં આવી હતી. સુરત, ગુજરાત અને આખા ભારતથી એક્ષ્પોર્ટને વધારવા માટે પ્રયાસ કરી રહેલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળને પીટ્સબર્ઘના અગ્રણી બિઝનેસમેનોએ ખૂબ જ સારો આવકાર આપ્યો હતો અને મિશન ૮૪ અંતર્ગત જે પ્રયાસો થઇ રહયા છે તેનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા, આથી તેઓએ ચેમ્બર પ્રમુખ સાથે મિશન ૮૪ના દરેક પાસાઓ વિશેની ઝીણવટપૂર્વક ચર્ચા કરી હતી. આ બિઝનેસમેનો તરફથી રજૂ કરાયેલા મિશન ૮૪ સંદર્ભના વિવિધ પ્રશ્નોના ચેમ્બર પ્રમુખે જવાબો આપ્યા હતા.
ઇન્ટરેકટીવ મિટીંગ દરમ્યાન અગ્રણી બિઝનેસમેનોએ ભારતમાંથી થતા એક્ષ્પોર્ટમાં પ્રોડકટની કવોલિટી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કમીટમેન્ટ અંગે પણ અહીંના બિઝનેસમેનોને જે મુશ્કેલીઓ થાય છે તેના વિશે માહિતી આપી સરકારી તંત્ર તરફથી સહકારની અપેક્ષા વ્યકત કરી હતી. ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ, અહીંના લોકો સાથે જોડાઇને સરળતાથી કામ થાય અને સ્થાનિક બિઝનેસમેનોના ધંધાકીય પ્રશ્નોને ઉકેલવામાં રસ દાખવે તો ઘણું સારું કામ થઇ શકે તેમ છે તેઓ આત્મવિશ્વાસ તેઓએ ચેમ્બર પ્રમુખ સમક્ષ વ્યકત કર્યો હતો.
સ્થાનિક અગ્રણી બિઝનેસમેનોએ મિશન ૮૪ની સાથે અનેક લોકોને જોડીને સુરત, ગુજરાત અને ભારતથી એક્ષ્પોર્ટ વધારવા માટે પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવી મિશન ૮૪ને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. સાથે જ ભવિષ્યમાં પણ ચેમ્બર ઓફ કોમર્સ તથા સુરત, ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓને ઉપયોગી થવા તેઓએ તત્પરતા બતાવી હતી. અગ્રણી બિઝનેસમેન શ્રી જાદવભાઇ મોનપરાએ તેમના ઘરે ખૂબ જ સફળતાપૂર્વક મિટીંગનું આયોજન કર્યું હતું તે બદલ ચેમ્બર પ્રમુખશ્રીએ તેમનો આભાર માન્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ પીટ્સબર્ધના અગ્રણી બિઝનેસમેનોને મિશન ૮૪ની પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને એના માટે ભારતના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટેનો ટારગેટ આપ્યો છે. વડાપ્રધાનના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમજ ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ વિઝન હાથ ધર્યું છે અને તેના અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.
મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મની સાથે ૧ર હજારથી વધુ બિઝનેસમેનો જોડાઇ ગયા છે. મિશન ૮૪ અંતર્ગત સુરત ઉપરાંત ગુજરાત અને ભારતથી વિશ્વના વિવિધ દેશોમાં રૂપિયા ૮૪,૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે. એવી જ રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે.
SGCCI ના પ્રમુખ સાથે અમેરિકાના ઉદ્યોગ અગ્રણીઓ / SGCCIમિશન ૮૪ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે. જેના ભાગ રૂપે અત્યાર સુધીમાં ૪પથી વધુ દેશોના કોન્સુલ જનરલ, એમ્બેસેડર તથા ઓફિશિયલ્સ સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવ્યા હતા અને સુરતના ઉદ્યોગકારોને સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગો કરી ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ માટેની તકો વિશે જાણકારી આપી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login