ADVERTISEMENTs

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા

ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડકટર, ઇલેક્ટ્રોનિક્સ, નોન રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવી કંપનીઓનું થશે નિર્માણ.

ગુજરાત ખાતે આવેલ ધોલેરા / માહિતી વિભાગ, ગુજરાત.

દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના “વિકસિત ભારત@૨૦૪૭” ના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ રોકાણ કરી રહી છે. ગુજરાતમાં બિઝનેસ માટે આવનાર કંપનીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર હંમેશા હકારાત્મક અભિગમ અપનાવે છે. જે અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસથી વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓ અને જીવનશૈલીના ઉચ્ચ ધોરણોયુક્ત ધોલેરા સ્માર્ટ સિટીનો વિકાસ કરવામાં આવ્યો છે. ગુજરાતનાં ધોલેરા ખાતે આવેલ “સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન” (SIR) માં ભારતના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી”નું નિર્માણ થઇ રહ્યું છે.  

ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર ધોલેરા સ્માર્ટ સિટી ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીઝ તેમજ તેના કર્મચારીઓ માટે સર્વગ્રાહી જીવનશૈલીના વિકાસ માટે રહેણાંક, વ્યાપાર, મનોરંજન તથા અન્ય હેતુસર ૯૨૦ ચો.કિમી. જેટલી જમીન ફાળવવામાં આવી છે. આ પ્રોજેકટના પ્રારંભિક તબક્કે ૨૨.૫૪ ચો.કિમી. વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વ કક્ષાના પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાલાયક પાણી, ૨૪ કલાક અવિરત વીજ પુરવઠો, CETP, STP, ICT, નેચરલ ગેસ વગેરે જેવી યુટિલિટી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડકટર અને સંલગ્ન આનુષંગિક સેવાઓ, ઇલેક્ટ્રોનિક્સ, નોન રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની કંપનીઓની સ્થાપના થશે.

ગુજરાત સરકારે ખાસ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનના આયોજન, વિકાસ અને સંચાલન માટે વર્ષ ૨૦૦૯ માં "ધ ગુજરાત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (GSIR) એકટ ૨૦૦૯" જાહેર કર્યો હતો. તે અંતર્ગત ગુજરાતનાં ધોલેરાને દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરના ભાગરૂપે "સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન" (SIR) તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ સ્થળના વિકાસ માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA)ની રચના કરવામાં આવી છે. ધોલેરા સ્માર્ટ સિટી ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ અને યુટિલિટી નેટવર્ક, પાણી, વીજળી, ICT, ગેસ, સ્ટોર્મ વોટર, વેસ્ટ વોટર માટેની માળખાગત વ્યવસ્થા, ૧૫૦ MLD ની ક્ષમતા સાથે વોટર ટ્રીટમેન્ટ એન્ડ સપ્લાય સિસ્ટમ, ૬૦ MLD ની ક્ષમતાવાળા ઔદ્યોગિક એકમો માટે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કલેક્શન સિસ્ટમ, ૩૦ MLD ની ક્ષમતા સાથે સુએજ કલેક્શન એન્ડ ટ્રીટમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. અહી વહીવટી કચેરીઓ, બેન્ક્વેટ હોલ, મીટિંગ રૂમ, કંમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બેંક, કાફેટેરિયા જેવી વિવિધ સુવિધાઓ પણ તૈયાર કરવામાં આવી છે.

ધોલેરા ખાતે નિર્માણ થનાર કંપનીઓમાં તૈયાર થયેલ માલસામાનના પરિવહન તેમજ દેશ અને દુનિયાના વિવિધ સ્થળોએ સરળતાથી પહોંચી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ અને ધોલેરા વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા ૧૧૦ કિ.મી. લાંબો એકસેસ કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ ફોર લેન એકસપ્રેસ વે નિર્માણ પામી રહ્યો છે. આ એક્સપ્રેસવે તૈયાર થવાથી અમદાવાદ અને ધોલેરા વચ્ચેનો મુસાફરીનો સમય ૫૦ ટકા જેટલો ઘટશે. અહી ઝડપી કનેક્ટિવિટી માટે ગ્રીનફિલ્ડ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ-બોટાદ બ્રોડગેજ લાઇન પર ભીમનાથના હાલના સ્ટેશનથી ૨૪.૪ કિમીની ગ્રીનફિલ્ડ ફ્રેઈટ રેલ લાઇન પશ્ચિમ રેલવે દ્વારા વિકસાવવામાં આવશે, જે કંપનીઓની લોજિસ્ટિકની સુવિધા માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ને જોડશે. આ રેલ્વે લાઈનને સાણંદ નજીક ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) સાથે પણ જોડવામાં આવશે. વધુમાં પશ્ચિમ રેલવે દ્વારા સેમી હાઇ-સ્પીડ રેલ લાઇન પણ વિકસાવવા આવશે.

આ ઉપરાંત ધોલેરા ખાતે ૭૨ કિલોમીટરમાં ફેલાયેલું આંતરિક રોડ નેટવર્ક બનાવવામાં આવ્યું છે, જેમાં ૧૮ થી ૭૦ મીટરની પહોળાઈવાળા રસ્તાઓનો સમાવેશ થાય છે. આ આધુનિક રોડમાં ભૂગર્ભ યુટિલિટી નેટવર્કનો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં વીજળી, ICT, નેચરલ ગેસ, પાણી, એફ્લુઅન્ટ અને સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રોડ નેટવર્કમાં રાહદારી માટે ખાસ લેન, સાયકલિંગ લેન, પ્લાન્ટેશન અને ભાવિષ્યના માસ રેપિડ ટ્રાન્સપોર્ટ (MRT) માટે આરક્ષિત કોરિડોરનો સમાવેશ થાય છે. ધોલેરા સ્માર્ટ સિટી વિસ્તારમાં વિવિધ ઈન્ડસ્ટ્રીઝ માટે પાવર ડિસ્ટ્રિબ્યુશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અવિરત અને કાર્યક્ષમ વીજ પુરવઠાની જરૂરિયાતને પહોંચી વળવા ટોરેન્ટ પાવર દ્વારા બે સબસ્ટેશન વિકસાવવામાં આવ્યા છે. અહી વર્તમાન વીજ વિતરણ ક્ષમતા ૫૦૦ MVA છે, જેનું ૧૫૦૦ MVA સુધી વિસ્તરણ થઈ શકશે.

કેન્દ્ર સરકાર સેમિકન્ડકટર, ડિસ્પ્લે ડિઝાઈન તથા ઈનોવેશન ઈકોસિસ્ટમ વિકસાવવાની દૂરદર્શિતા ધરાવે છે. ગુજરાત પહેલું રાજ્ય છે જેણે ભારત સરકારના સેમિકન્ડક્ટર પ્રોગ્રામ સાથે સુમેળ ધરાવતી સેમિકન્ડકટર નીતિ બનાવી છે, જે અંતર્ગત ધોલેરાને દેશના "સેમિકોન સિટી" તરીકે વિકસાવવામાં આવશે. ધોલેરા સેમિકોન સિટી ભારતને સેમિકન્ડકટર અને ઇલેક્ટ્રોનિકસ ક્ષેત્રે સર્વોચ્ચ બનવાની યાત્રામાં અગત્યનો ફાળો ભજવશે. તદુપરાંત, દેશને ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનાવી મેક ઇન ઇન્ડિયા મિશનની સાર્થકતામાં મદદરૂપ બનશે. ધોલેરા "સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન" માં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા રૂ. ૯૧ હજાર કરોડના રોકાણ સાથે ભારતના પ્રથમ સેમિકન્ડકટર ફેબનું નિર્માણ કરવામાં આવશે, જેના પરિણામે રાજ્યમાં અનેક નવી રોજગારીનું સર્જન થશે, એમ ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની યાદીમાં જણાવાયું છે. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related