ભારત સરકારે શીખ પ્રવાસી સંગઠનોને દબાવવા માટે ઉત્તર અમેરિકાનાં વાણિજ્ય દૂતાવાસોને 'ગુપ્ત મેમો' મોકલ્યો હોવાનો દાવો કરતા રિપોર્ટને ભારત સરકારે નકારી કાઢ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે આવા દાવાઓ પર આકરી પ્રતિક્રિયા આપવાની સાથે-સાથે તેને ભારત વિરુદ્ધ પ્રચારનો જ એક ભાગ ગણાવ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ બાબતે વાત કરતા જણાવ્યું છે કે અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે 'સિક્રેટ મેમો' સંબંધિત તમામ દાવાઓ નકલી અને સંપૂર્ણ રીતે બનાવટી જ છે. આ માત્રને માત્ર ભારત વિરુદ્ધનો અપપ્રચાર છે. આ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા દ્વારા ફેલાવવામાં આવેલું એક પ્રકારનું જૂઠ્ઠાણું છે. નોંધનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં વાણિજ્ય દૂતાવાસને મોકલવામાં આવેલા કથિત દસ્તાવેજમાં ટાર્ગેટ તરીકે નામ આપવામાં આવ્યાના બે મહિના પછી જૂનમાં શીખ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની વાનકુવરમાં હત્યા કરવામાં આવી હતી. તો બીજી તરફ યુએસએએ ભારત સરકાર પર અન્ય શીખ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની નિષ્ફળ હત્યાના પ્રયાસમાં સામેલ હોવાનો પણ સણસણતો આરોપ મૂક્યો હતો.
પ્રવક્તા અરિંદમ બાગચીએ આ અંગે જણાવ્યું કે 'અમે ભારપૂર્વક સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આ સમાચાર ખોટા અને સંપૂર્ણ રીતે બનાવટી છે. જેઓ આવા ફેક ન્યૂઝનો પ્રચાર કરે છે તેઓ માત્ર પોતાની વિશ્વસનીયતાના કિંમત ઉપર જ આવું પગલું ભરે છે.' આ દસ્તાવેજ વિશે ધ ઈન્ટરસેપ્ટે જણાવ્યું હતું કે 'એક્શન પોઈન્ટ ઓન ખાલિસ્તાન એક્સ્ટ્રીમિઝમ' ટાઇટલ ધરાવતા દસ્તાવેજમાં વિદેશ મંત્રાલયે તેમના કોન્સ્યુલેટ્સને શીખ ફોર જસ્ટિસ, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, શીખ કોઓર્ડિનેશન કમિટી ઈસ્ટ કોસ્ટ, વર્લ્ડ શીખ સંસદ, શિરોમણી અકાલી દળ અમૃતસર અમેરિકા વિશે માહિતી આપી હતી. શીખ યુથ ઓફ અમેરિકા સહિત અલગતાવાદી શીખ જૂથોનો સામનો કરવા માટે ભારતીય ગુપ્તચર એજન્સીઓને સહકાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ભારતે આ પૈકી મોટાભાગના સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે જ્યારે અમેરિકા અને કેનેડાએ પણ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે પન્નુ અને નિજ્જર બંનેને આતંકવાદી જાહેર કર્યા છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login