કચ્છના રણોત્સવમાં છેલ્લા 2 વર્ષમાં કોરોના બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. રણોત્સવમાં બે વર્ષમાં 12,500 વિદેશી સહિત કુલ 9 લાખ પ્રવાસીઓ નોંધાયા. આ પ્રવાસીઓના કારણે એન્ટ્રી ફીમાં પ્રવાસન વિભાગને 5 કરોડ રૂપિયાની આવક થઈ છે. જો કે, વિદેશીની સરખામણીએ સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધુ જોવા મળી હતી.
વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં પ્રવાસન મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચ્છના રણોત્સવમાં 2022ના વર્ષમાં કુલ 207777 અને 2023માં 728614 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ કુલ પ્રવાસીઓની સામે બે વર્ષમાં 4235 અને 8322 જેટલા વિદેશી પ્રવાસીઓ નોંધાયા હતા. આ પ્રવાસીઓના કારણે પ્રવાસન નિગમને 2022માં 1,72,48,775 રૂપિયા અને 2023માં 3,25,60,725 રૂપિયાની એન્ટ્રી ફીની આવક પ્રાપ્ત થઇ છે. આ રણોત્સવમાં 100 ક્રાફ્ટ્સ અને 40 ફુડ સ્ટોલને 2 વર્ષમાં કુલ 12.56 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે.
સમગ્ર વિશ્વમાં કચ્છ તેની કળાને લીધે જેટલું પ્રસિદ્ધ છે તેટલું જ પ્રસિદ્ધ તેની ભૌગોલિક પરિસ્થિતિને લીધે છે. કચ્છનું સફેદ રણ અત્યારે સૌનું હોટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. કચ્છમાં રણોત્સવનો આ વર્ષે 13 નવેમ્બર 2023થી પ્રારંભ થયો હતો આ રણોત્સવમાં પણ દર વર્ષની જેમ ટૂરિસ્ટ્સનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ વખતનો રણોત્સવ 25મી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.
રણોત્સવમાં કચ્છની કલા અને સંસ્કૃતિનું સચોટ નિરુપણ કર્તા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. કચ્છની હસ્તકલાની વિવિધ વસ્તુઓના વેચાણઅર્થે સ્ટોલ પણ ઊભા કરવામાં આવે છે. ભારત ઉપરાંત ફોરેન ટૂરિસ્ટ્સ પણ ટેન્ટસિટીનો લ્હાવો લેવા આવી પહોંચે છે. વર્લ્ડ હેરિટેજ ધોળાવીરાથી કચ્છના સફેદ રણ સુધીનો રસ્તો બની ગયો છે. જેથી ટૂરિસ્ટ્સ રોડ ટુ હેવન મારફતે ધોળાવીરાની રોમાંચક મુલાકાત લઈ શકે છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login