ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું છે. આ પરિણામ વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડની વેપબસાઇટ www.gseb.org પર જોઈ શકે છે. આજે સવારે 9 કલાકે સમગ્ર રાજ્યનું પરિણામ વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વ્હોટ્સએપ મારફતે પણ તેમનું પરિણામ જાણી શકશે.
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિણામમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા જાહેર થયું છે. ગત વર્ષ કરતા આ વર્ષે બંને પ્રવાહનું પરિણામ ખુબ જ સારું આવ્યું છે. ગત વર્ષે એટલે કે 2023માં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા હતું. જયારે સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા હતું. ગત વર્ષે 2023માં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ કુલ 311 હતી જે આ વર્ષે 2024માં કુલ 1609 શાળાઓનું પરીણામ 100 ટકા આવ્યું છે. એજ પ્રમાણે ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 61 હતી જે આ વર્ષે વધીને 1034 થઇ છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 27 હતી જે આ વર્ષે 127 થઇ છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીયે તો રાજ્યમાં સૌથી વધુ મોરબીનુ 92.80 ટકા પરિણામ આવ્યું છે જયારે સૌથી ઓછું છોટા ઉદેપુરનું 51.36 ટકા પરિણામ આવ્યું છે. જેમાં A1 ગ્રેડમાં 1034 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 8983 વિદ્યાર્થીઓ A ગ્રેડમાં 34,928 વિદ્યાર્થી, B ગ્રેડમાં 56,684 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
તે જ પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીયે તો રાજ્યમાં સૌથી વધુ પરિણામ બોટાદ જિલ્લાનું 96.40ટકા નોંધાયું છે, જયારે સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લાનું 84.81 ટકા નોંધાયું છે. જેમાં A1 ગ્રેડમાં 5508 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 42,440 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 81,573 વિદ્યાર્થી, B2 ગ્રેડમાં 97,880 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
જે વિદ્યાર્થીઓ એ વ્હોટ્સએપ દ્વારા પરિણામ જાણવું હોય તે 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓની માર્કશીટ અંગે શાળાઓ દ્વારા બાદમાં જાણ કરવામાં આવશે. પરિણામ બાદ રી ચેકીંગ અને સુધારા વધારા માટેના પરિપત્ર હવે પછીથી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login