ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવાની પીએમ મોદીએ જાહેરાત કરી છે. પીએમ મોદીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું, મને જણાવતા ખુશી થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરાશે. મેં તેમને વાત કરીને આ સન્માન બદલ અભિનંદન પાઠવ્યા છે. અમારા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓ પૈકીના એક અડવાણીનું ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન છે. તેમણે જમીન સ્તરેથી કામ શરૂ કર્યુ હતું અને ઉપપ્રધાનમંત્રીના રૂપમાં દેશની સેવા કરી. તેમણે ગૃહ મંત્રી અને સૂચના તથા પ્રસારણ મંત્રી તરીકે પણ ઓળખ બનાવી.
ભારત રત્નના એલાન બાદ 96 વર્ષીય લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, હું આ સન્માનને અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતાથી સ્વીકાર કરું છું. તેમણે કહ્યું કે, આ મારા માટે માત્ર એક વ્યક્તિ તરીકે સન્માન નથી પરંતુ તે આદર્શો અને સિદ્ધાંતો માટે પણ સન્માન છે જેની મેં મારી સંપૂર્ણ ક્ષમતા સાથે જીવનભર સેવા કરી છે. તેમણે કહ્યું કે આદર્શ વાક્ય 'ઈદમ્ ન મમ'- 'આ જીવન મારૂં નથી, તે મારા રાષ્ટ્ર માટે છે' એ મને પ્રેરણા આપી છે. તેમણે કહ્યું કે, આજે હું બે લોકો (પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી)ને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું જેમની સાથે મેં કામ કર્યું છે. આ સાથે જ તેમણે આ સન્માન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે તેમના પરિવારના તમામ સભ્યો અને તેમની સ્વર્ગસ્થ પત્ની કમલા પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
ભારત રત્નના એલાન બાદ લાલ કૃષ્ણ અડવાણીએ લોકો અને મીડિયા પર્સનનું પોતાના ઘરેથી અભિવાદન ઝીલ્યુ હતું. આ દરમિયાન તેમની પુત્રી પ્રતિભા અડવાણી પણ તેમની સાથે નજર આવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભાએ તેમને મીઠાઈ ખવડાવીને તેમનું મોં મીઠુ કરાવ્યું હતું અને તેમને ગળે લગાવીને અભિનંદન પણ પાઠવ્યા હતા.
ભાજપ પાર્ટીના સ્થાપક સભ્ય અને પીએમ મોદીના રાજકીય ગુરુ ગણાતા એવા લાલકૃષ્ણ અડવાણીનો 8 નવેમ્બર 1927ના રોજ લાહોર (હવે પાકિસ્તાન)માં થયો હતો. આજે 96 વર્ષની ઉંમરે દેશના સર્વોચ્ચ સન્માનથી તેમને નવાજવામાં આવ્યા છે. અડવાણી ભારતીય જનતા પાર્ટી (અગાઉ જનસંઘ) ના સ્થાપક સભ્ય છે. ગાંધીનગરથી સાસંદ તરીકે વર્ષો સુધી ચૂંટાતા અડવાણીએ પાર્ટીને સત્તામાં લાવવા મોટી ભૂમિકા ભજવી હતી.
લાલ કૃષ્ણ અડવાણી (એલ.કે. અડવાણી જન્મદિવસ), જેઓ ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પણ હતા, અભ્યાસમાં ઝડપી હતા. અડવાણી મેટ્રિક સુધી કરાચીની સેન્ટ પેટ્રિક સ્કૂલમાં પ્રથમ રહ્યા.તેઓ 1942માં RSSમાં સ્વયંસેવક તરીકે જોડાયા. તેમણે 1944માં કરાચીની મોડેલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું હતું.
ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી 1986-1990, 1993-1998 અને 2004-2005 દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહી ચૂક્યા છે. વર્ષ 1980 પછી પાર્ટીના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા નેતા હતા. લાલકૃષ્ણ અડવાણીએ તેમના જીવનમાં ઘણી રાજકીય અને અન્ય યાત્રાઓ કરી હતી. પાર્ટીની સત્તાવાર વેબસાઇટ અનુસાર રામ રથયાત્રા, જનદેશ યાત્રા, ભારત સુરક્ષા યાત્રા, સ્વર્ણ જયંતિ રથયાત્રા અને ભારત ઉદય યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રવાસોએ અડવાણીને રાજકીય તાકાત આપી.
લાલ કૃષ્ણ અડવાણી સરકારી લો કોલેજ, મુંબઈમાંથી કાયદાના સ્નાતક છે. શરૂઆતમાં અડવાણીએ પત્રકારત્વ પણ કર્યું. રાજદ્વારી ઉપરાંત ટ્રેડ યુનિયનમાં પણ રહ્યા હતા. જે વર્ષે દેશને આઝાદી મળી તે વર્ષે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કરાચીના સેક્રેટરી હતા. જ્યારે પણ તેમને સમય મળે ત્યારે પુસ્તકોનું વાંચન ખાસ કરતા. તેમનો સમય પુસ્તકો, થિયેટર, સિનેમા, રમતગમત અને સંગીત સાથે જોડાયેલી બાબતોમાં ફાળવતા હતા. તેમના લગ્ન 25 ફેબ્રુઆરી 1965ના રોજ કમલા અડવાણી સાથે થયા હતા.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login