કેનેડામાં લક્ષ્મીનારાયણ મંદિરના પ્રમુખના પુત્રના ઘરે ફાયરિંગ થયું છે. સરેમાં ભારતીય મૂળના બિઝનેસમેન સતીશ કુમારના ઘરે ફાયરિંગની ઘટના પાછળ ખાલિસ્તાની અલગતાવાદી સમર્થકોનો હાથ હોવાની આશંકા છે. સદનસીબે ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) કેસની તપાસ કરી રહી છે. આ એક રિપોર્ટ અનુસાર, આ ઘટના સ્થાનિક સમય અનુસાર 27 ડિસેમ્બરે સરેના 80 એવન્યુ ખાતે સતીશ કુમારના ઘરે બની હતી. સરેના પોલીસ અધિકારી પરમબીર કાહલોને જણાવ્યું હતું કે ફાયરિંગની આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી પરંતુ સતીશના ઘરને નુકસાન થયું છે.
આ ઘટના બાદ પોલીસે હુમલાખોરોને શોધવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હુમલા પાછળનું કારણ શું હોઈ શકે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અગાઉના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ હુમલો કદાચ ખાલિસ્તાની અલગતાવાદીઓએ કર્યો હતો.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે હાલમાં સરેના લક્ષ્મીનારાયણ મંદિરને ધમકીભર્યા પત્રો મોકલવામાં આવ્યા હતા. તો છેલ્લાં કેટલાક સમયથી કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાઓ વધી છે. નવેમ્બરમાં ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ સરેમાં વધી રહેલી ખાલિસ્તાની પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સાંસદ આર્યએ સરેમાં ગુરુદ્વારા બહાર એક શીખ પરિવારની હેરાનગતિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે એવું લાગે છે કે આ જ ગ્રુપ લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવી રહ્યું છે. આ પહેલાં પણ કેનેડામાં અનેક હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આવી ઘટનાઓ સતત વધી રહી છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login