ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વધુ એક ચૂંટણીની જોરદાર ચર્ચા ચાલી હતી તે હતી ઇફ્ફ્કો(IFFCO) ડિરેક્ટર પદ માટે યોજાયેલ ચૂંટણી. સામાન્ય રીતે ઇફ્ફ્કોના ડિરેક્ટરની ચૂંટણી બિનહારી રીતે જયેશ રાદડિયા જ છેલ્લી બે ટર્મથી જીતતા આવ્યા છે. પરંતુ આ વર્ષે ભાજપે અમદાવાદના સહકારી આગેવાન બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું અને ચૂંટણી લડાવી હતી. જોકે બિપિન પટેલને પાર્ટીએ મેન્ડેટ આપ્યું હોવા છતાં જયેશ રાદડિયા એ પોતાની ઉમેદવારી પાછી ખેંચી ન હતી અને પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈને દાવેદારી કરી ચૂંટણી જંગ ખેલ્યો હતો.
60 હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો ઓપરેટીવ લિમિટેડ એટલે કે ઇફ્ફ્કોની આ ચૂંટણી પર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની સીધી નજર હતી. દર વર્ષે બિનહરીફ થતી આ ચૂંટણીમાં આ વખતે રાદડિયા એ ફોર્મ પરત ન ખેંચતા ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. તેને કારણે વિવાદ અને ખેંચતાણનો માહોલ ઉભો થયો હતો. કારણકે ભાજપમાં આ પ્રકારની સહકારી ચૂંટણીઓ લડવાનું વલણ પણ પાર્ટી લેવલનું છે. ભાજપે આપેલા મેન્ડેટ સામે રાદડિયા પણ મેદાને હતા. બંને પક્ષે મતદારોને માનવીને પોતાના તરફે વોટિંગ કરવા માટે કામગીરી કરાઈ હતી. જોકે જયેશ રાદડિયા ને રાજકોટના સાંસદ મોહન કુંડારીયા તેમજ ઇફ્ફ્કોના ચેરમેન અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીનું પણ સમર્થન હતું.
ઇફ્ફ્કોની ચૂંટણીમાં કુલ 182 મતદારો છે જે પૈકી 2 મતદારો વિદેશ હોવાથી કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. આ પડેલા 180 મતોમાંથી 114 મતો જયેશ રાદડિયા ને મળ્યા હતા જયારે હરીફ અને ભાજપના ઉમેદવાર બિપિન ગોતાને 66 જ મત મળ્યા હતા. કહી શકાય કે ભાજપના મેન્ડેટની સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઉપરવટ જઈને ચૂંટણી જંગ ખેલ્યો હતો. જેમાં ભાજપની સામે ભાજપની જ હાર થઇ છે.
ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહેલા બિપિન ગોતા અમદાવાદ ના છે અને તેઓ ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ હોવાની સાથે સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની નજીકના ગણવામાં આવે છે. એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે જો બિપિન પટેલ ચૂંટણી જીતી જાય તો તેઓ ઇફ્ફ્કોના ચેરમેન અથવા વાઇસ ચેરમેન બની શક્યા હોત. હાલ ભાજપના જ વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી ઇફ્ફ્કોના ચેરમેન પદે બિરાજમાન છે. જયેશ રાદડિયાની વાત કરીયે તો તેઓ કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલ દિગ્ગજ અને કદાવર નેતા વિઠ્ઠલ રાદડીયાના પુત્ર છે અને રાજકોટમાં તેમનું સારું એવું વર્ચસ્વ પણ છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login