ADVERTISEMENTs

ગુજરાત ભાજપને કોનો કકળાટ લાગ્યો ? રુપાલાને વાણીવિલાસ ભારે પડયો.

આ વિવાદને પગલે રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજસિંહ શેખાવતે પણ સમાજ માટે ભાજપના પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર રુપાલાનો વિરોધ થઇ રહયો છે. વિરોધ પ્રદર્શન સાથે રેલીઓ અને પૂતળા દહન પણ કરવામાં આવી રહયું છે.

રાજકોટ ખાતેના એક કાર્યક્રમમાં / @PRupala

લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત બાદ ટિકિટ ફાળવણી માટે ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ ગુજરાત ભાજપને કોઈકનો કકળાટ લાગ્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. વડોદરા-વલસાડ બેઠક પર ઉમેદવારોના નામ જાહેર થતા જ સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા વિરોધ અને જૂથવાદ જોવા મળ્યો હતો. જોકે વડોદરા બેઠક પર રંજન ભટ્ટનો વિરોધ જોતાં તેમણે પોતાની ઉમેદવારી સ્વેચ્છાએ પાછી ખેંચી લીધી હતી. આ સ્વેચ્છા એ અને અંગત કારણોસર ઉમેદવારી પછી ખેંચવાની વાત તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કરી હતી. જોકે આ વાત ગુજરાતીઓને અને વડોદરા વાસીઓને ગળે ઉતરે તેમ નથી. ક્યાંક ભાજપમાં જ અંદરોઅંદર એવો પણ ગણગણાટ જોવા મળ્યો હતો કે, પ્રદેશ લેવલે અને ભાજપ હાઇકમાન્ડ દ્વારા રંજન ભટ્ટ પાસે ઉમેદવારી પાછી ખેંચાવી લેવાઈ હતી.

ચાલો આ તો જૂની વાત થઇ. પરંતુ હાલ છેલ્લા કેટલાક દિવસ થી જે ખુબ જ ચર્ચામાં છે, તેવા ભાજપના કદાવર ગણાતા નેતા પુરુષોત્તમ રૂપાલાને પણ ભાજપને લાગેલો કકળાટ વળગ્યો હોય તેવી સ્થિતિ છે. ગત તારીખ 22 માર્ચના રોજ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પોતાની આગવી સ્ટાઈલમાં વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિયો મામલે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. કાર્યક્રમના બે દિવસ બાદ એટલે કે 24 માર્ચના રોજ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને રૂપાલા વિરુદ્ધ મોરચો માંડયો હતો.

માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય રાજપૂત સમાજે રૂપાલા ના આ નિવેદન સામે બાંયો ચઢાવી છે. ઠેર ઠેર રૂપાલાના નિવેદનની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. ત્યારે વિપક્ષને જોઈતું મળી ગયું હોય તેમ હવે તે પણ આવેલી બાજીમાં ગોઠવાઈ ગયા છે અને રૂપાલા વિરુદ્ધ નિવેદનો આપી રાજકારણ શરૂ કરી દીધું છે. ચારેય તરફથી ઘેરાયેલા રૂપાલાએ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના આગેવાન એવા જયજસિંહ જાડેજા દ્વારા ગોંડલમાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં જઈને જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી.

જયજસિંહ જાડેજા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં રૂપાલાએ મંચ પરથી માફી માંગી હતી અને કહ્યું હતું કે, "મારા અગાઉના ભાષણોને કારણે ક્યારેય કોઈ વિવાદ થયો નથી, પરંતુ આ વખતે મારા શબ્દોને કારણે મારા કરતા મારી પાર્ટીને વધુ નીચા જોવાનું થયું છે, તેનો મને અફસોસ છે." આ માફી માંગતા નિવેદન બાદ ક્યાંક લોકોને એવું લાગ્યું હતું કે રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદનો અંત આવ્યો. પરંતુ વિવાદ શામવાને બદલે વધુ વકર્યો છે. ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો અને અન્ય સંગઠનો દ્વારા જાહેરમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ માફી મંજુર નથી.

રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આયોજિત કાર્યક્રમમાં રૂપાલા / @PRupala

આ વિવાદને પગલે રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજસિંહ શેખાવતે પણ સમાજ માટે ભાજપના પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર રુપાલાનો વિરોધ થઇ રહયો છે. વિરોધ પ્રદર્શન સાથે રેલીઓ અને પૂતળા દહન પણ કરવામાં આવી રહયું છે.

ગોંડલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં માફી માંગતી વખતે પણ રૂપાલા પોતાનો વાણી વિલાસ રોકી શક્યા ન હતા અને વધુ એક વિવાદને નોતરું દઈ બેઠા હતા. માફી માંગતી વખતે બોલાયેલ વાક્યોને કારણે હવે દલિત સમાજ રુપાલાથી નારાજ થયો છે અને તેમને રૂપાલા સામે વિરોધનો સુર રેલાવ્યો છે. એટલે હવે રૂપાલા બધી બાજુ થી ઘેરાઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. ક્યાંક એવો પણ ગણગણાટ શરુ થયો છે કે હવે તો રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે તો જ આ વિવાદનો અંત આવી શકે તેમ છે.

રવિવાર સ્વરથી શરૂ થયેલ ગણગણાટ મામલે ભાજપના જ કેટલાક સિનિયર નેતાઓનું માનવું છે કે રૂપાલા ની ઉમેદવારી કોઈ કાળે પાછી ખેંચાશે નહીં. કારણકે ભાજપ હાઇકમાન્ડ રૂપાલાને રાજકોટ બેઠકથી ચૂંટણી લડાવવા માટે મક્કમ છે. એટલે ક્યાં તો ક્ષત્રિય સમાજને કોઈપણ ભોગે મનાવી લેવામાં આવશે અથવા તો જે થશે તે જોયું જશે ની નીતિથી પાર્ટી આગળ વધશે.



જોકે રૂપાલા ને ઉમેદવાર તરીકે બદલવા માટે ભાજપના જ નેતાઓ મેદાને પડ્યા છે. ભાવનગર APMCના ડિરેક્ટર અને ક્ષત્રિય સમાજના સંજયસિંહ ગોહિલે ફેસબુક પર પોસ્ટ કરીને ભાજપના શીર્ષ નેતૃત્વને રૂપાલા સાહેબના સ્થાને અન્ય નેતાને ટિકિટ આપીને લડાવી લેવા જોઈએ અને આ વિવાદનો અંત લાવવો જોઈએ તેવી સુફિયાણી સલાહ આપી હતી. તેમને વધુમાં એવું પણ લખ્યું હતું કે, "પાર્ટીના વરિષ્ઠ નેતા આવી નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરે તે યોગ્ય નથી, સ્વમાન અને સ્વાભિમાન સાથે સમાધાન ન હોય. સમાજના આગેવાન જયજસિંહ જાડેજાએ પણ સમાધાન પ્રક્રિયા સમાજની વિવિધ સંસ્થાના આગેવાનોને સાથે રાખી કરવી જોઈતી હતી, જે ના થયું તે પણ દુઃખદ છે. ક્ષત્રિય સમાજમાં જન્મ લેવો ગર્વની વાત છે અને ક્ષત્રિય કુળમાં જન્મ લીધો છે તે બધા જ સ્વમાની છે એટલે વાણીમાં વિવેક રાખવો જોઈએ,નાનામાં નાના માણસની ગરિમા જળવાઈ તે રીતે નિવેદનો કરવા જોઈએ,બફાટ તો બધાને કરતા આવડે પણ સમાજનું આત્મસન્માન ન ઘવાય તે પણ જરૂરી છે. સમાજની વિવિધ સંસ્થાના આગેવાનોએ પણ આગળ આવી સુખદ અંત આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ અને નિવેદનો પણ સંસથના આગેવાનોએ જ કરવા જોઈએ જેથી બીજો કોઈ વિવાદ ના થાય અને અન્ય કોઇ જ્ઞાતિનું સ્વમાન ન ઘવાય,પાર્ટીના આગેવાનો અને સમાજના આગેવાનો આગળ આવી સુખદ અંત લાવશે એવી આશા રાખીએ."

આમ તો પુરુષોત્તમ રૂપાલા પોતાના આખા બોલા સ્વભાવ અને વિપક્ષ પર તીખા પ્રહારો સાથે રમુજી વાતોને લઈ લોકોમાં ખુબ જ લોકપ્રિય છે. પણ આ વખતે રુપાલાનો વાણીવિલાસ ક્યાંક તેમને "આ બૈલ મુજે માર" જેવી પરિસ્થિતિમાં લાવી ને મૂકી દીધા છે. રૂપાલા દ્વારા વારંવાર માફી મંગાવ આબાદ પણ ક્ષત્રિય સમાજ ટસનો મસ થતો નથી અને રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યો છે. ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ જે પી જાડેજાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે, જો રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે તો 24 કલાકની અંદર સમગ્ર ભારતમાં કરણી સેના દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે.તો બીજી તરફ કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળા એ પણ રૂપાલા સમક્ષ મોરચો માંડયો છે. તેમણે રુપાલાસાહેબની ધરપકડ કેમ નથી થઈ તેવા સવાલો સમાધાન કરાવનાર જયજસિંહ જાડેજાને કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે જીત તો ક્ષત્રિય સમાજની જ થશે.

એટલે ટૂંકમાં કહીયે તો હવે પુરુષોત્તમ રૂપાલા અને ભાજપ મોવડી મંડળ ફરતે બરાબરનો ગાળિયો કસાયો છે. આગામી દિવસોમાં હવે જોવાનું એ રહેશે કે વડોદરા અને સાબરકાંઠા ના ઉમેદવારો એ જે રીતે સ્વેચ્છાએ ઉમેદવારી પછી ખેંચી છે. તે મુજબ જ પુરુષોત્તમ રૂપાલા પોતાની સ્વેચ્છાએ ઉમેદવારી પછી ખેંચે છે કે, પછી ભાજપના શીર્ષ નેતૃત્વ પાસે આ વિવાદનો અંત લાવવા માટે કોઈ બ્ર્હમાસ્ત્ર બાકી રહયું છે તેનો ઉપયોગ કરશે.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ / @CRPaatil

જો પરિસ્થિતિ જેમની તેમ જ રહેશે અને વિવાદનો અંત લાવ્યા વગર રૂપાલાને જ રાજકોટ બેઠક થી લડાવવામાં આવશે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે આ વખતે દરેક બેઠક પર પાંચ લાખની લીડનો ટાર્ગેટ આપ્યો છે તે ક્યાંક પૂરો થતો દેખાઈ નથી રહ્યો. કારણકે અહીં રાજકોટ બેઠક માટે તો એક સમાજનો વિરોધ છે. પરંતુ ગુજરાતની અન્ય આઠ બેઠકો એવી છે જ્યાં આ શિસ્તબદ્ધ પાર્ટી ભાજપના અંદરનો જૂથવાદ જ હારનું અથવા ઓછી લીડનું કારણ બની શકે છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related