વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પૂરના કારણે ઊભી થયેલી આપદામાં રાજ્ય સરકાર તમામ સહાય અને મદદ કરી રહી હોવાની ધરપત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આપી છે.તેઓ આજે બપોર બાદ વડોદરા આવી પહોંચ્યા હતા અને સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વડોદરાની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ સમૂહ માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા છે અને રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ રાહત અને બચાવની કામગીરી ઉપર છે.વડોદરા શહેરમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા આર્મીની ત્રણ, એન. ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ ની સાત ટીમો કાર્યરત છે. આ ઉપરાંત અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાંથી ફાયરની નવ ટીમો વડોદરા મોકલવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, વડોદરા શહેરમાં પાણી વિતરણ કરતા ૧૩ સંપ બંધ થયા હતા જે પૈકી હવે માત્ર ચાર જ બંધ હાલતમાં છે. આવી કપરી પરિસ્થિતિમાં શહેરમાં વીજ વિતરણ કરતા ૧૧૮ ફીડર બંધ થઈ ગયા હતા. જે પૈકી ૨૨ ફીડર આજ ગુરુવાર મોડી સાંજ સુધીમાં શરૂ થઈ જશે.બાકીના ૧૨ ફિડરોમાં હજુ પાણી ભરાયું છે તેને પાણી ઓસરતાં તુરંત શરૂ કરી દેવામાં આવશે. એ જ રીતે ૧૫૦ ટ્રાન્સફોર્મરો મોડી રાત સુધીમાં કાર્યરત થઇ જશે આ કામગીરી માટે ૪૦ ટીમ કાર્યરત છે એટલું જ નહિ વધારાની ૧૦ ટીમ પણ કામે લગાડવામાં આવી છે.
તેમણે કહ્યું કે, ૩૪ પાણી વિતરણ વ્યવસ્થાઓ પૈકી ૩૩ શરૂ થઈ ગઈ છે.૪૪૧ એમ.એલ. ડી પાણીનું સુપર ક્લોરીનેશન કરી વિતરણ કરવામાં આવ્યું છે.શહેરના દસ ટકા વિસ્તારમાં ૪૦ જેટલા ટેન્કર મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધીમાં ૧૮૫ મેટ્રિક ટન કચરો સાફ કરવામાં આવ્યો છે. પૂર ઓસરતાની સાથે સફાઈ અને આરોગ્યની બાબતને ધ્યાને રાખી ૪૮ જે.સી.બી, ૭૮ ડમ્પર, ૬૩ ટ્રેક્ટર તથા ૨૩૨ કચરા ગાડી સફાઇ કામગીરીમાં જોડાશે. તેમ તેમણે ઉમેર્યું હતું.
શહેરમાં હાલમાં આરોગ્ય ટીમો દ્વારા લોકોના આરોગ્યની દરકાર લેવામાં આવી રહી છે.શહેર જિલ્લાના ૪૦ પી.એચ સી,ચાર સી.એચ સી અને ૭૨ શહેરી આરોગ્ય કેન્દ્રો અને ૧૩૫૦ આરોગ્ય કર્મીઓ આ કામગીરીમાં જોડાયા છે.મંત્રીશ્રીએ ખાનગી તબીબોને પણ આ કામગીરીમાં જોડાવા અપીલ કરી હતી.
મંત્રીશ્રીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી નુકશાની સર્વે,બચાવ અને રાહત, આરોગ્ય,સફાઈ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.મંત્રીશ્રીએ સિટી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.
આ પ્રસંગે મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુકલ,મેયર શ્રીમતી પિન્કીબેન સોની, સાંસદશ્રી,ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login