ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બનાવવામાં આવેલી ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સની મિટીંગ મળી હતી, જેમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સમગ્ર વેલ્યુ ચેઇનના ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા અને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો તથા તેના વિકાસ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ફાયબરથી લઇને રેડીમેડ ગારમેન્ટ સુધીની આખી ટેક્ષ્ટાઇલ વેલ્યુ ચેઇનની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, વેપારીઓ અને નિષ્ણાંતો ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટેક્ષ્ટાઇલ મશીનરીની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોનો સમાવેશ ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સમાં કરવામાં આવ્યો છે. આ ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સમાં સ્પીનર્સ, પ્રોસેસર્સ, વિવર્સ, નીટર્સ, એમ્બ્રોઇડરી ઉદ્યોગકારો, યાર્ન ટ્રેડર્સ, ગારમેન્ટ મેન્યુફેકચરર્સ, ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરર્સ, એક્ષ્પોર્ટર્સ અને સ્થાનિક ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના ઘણા પ્રશ્નો હોય છે. કયારેક એવું બનતું હોય છે કે ટેક્ષ્ટાઇલના બે જુદા જુદા સેકટરના ઉદ્યોગકારો એક મત પર સહમત નહીં થતા હોય ત્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ જુદા જુદા સેકટરના ઉદ્યોગકારોને ચેમ્બરના માધ્યમથી એક મંચ લાવશે અને તેઓની સાથે એકમત સાધી સૌને અનુકુળ રહે એ પ્રકારની એક જ રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી સંબંધિત વિભાગો તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારને કરવામાં આવશે.
આ ઉપરાંત સુરત ઇકોનોમિક રિજીયનમાં નીતિ આયોગની યોજના મુજબ વર્ષ ર૦૪૭ સુધીમાં દક્ષિણ ગુજરાતની કુલ ઇકોનોમીને ૧.પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે ત્યારે આ બાબતે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સિંહફાળો આપે તેવું નીતિ આયોગ દ્વારા નકકી કરવામાં આવ્યું છે, આથી ભવિષ્યમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ યોગ્ય દિશામાં ઝડપી ગતિથી કેવી રીતે થાય? ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો ગ્રોથ કેટલો વધે? ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્ષ્ટાઇલના કયા પાસામાં સરકારનું ધ્યાન દોરી શકાય અને સરકારની તેમાં કેવી રીતે મદદ લઇ શકાય? તે ઉપરાંત ભારતના ટેક્ષ્ટાઇલ કલસ્ટર તરીકે ઓળખાતા સુરતને વિશ્વનું અલાયદું ટેક્ષ્ટાઇલ કલસ્ટર કેવી રીતે બનાવી શકાય? તે માટે ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સમાં એડવાઇઝર તરીકે ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર શ્રી એસ.પી. વર્માની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શ્રી આશીષ ગુજરાતીને ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સના ચેરમેન બનાવવામાં આવ્યા છે. દર મહિને ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સની એક મિટીંગ મળશે. ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ અંતર્ગત વર્ષ બે વખત ‘ટેક્ષ્ટાઇલ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવશે. જેના ભાગ રૂપે તા. ર૧મી ડિસેમ્બર ર૦ર૪ના રોજ પ્રથમ ટેક્ષ્ટાઇલ કોન્કલેવ યોજાશે.
ચેમ્બરની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ, સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ તેમજ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ ચેમ્બરની આ ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ અંતર્ગત સુરતમાં કોમન ફેસિલિટી સેન્ટરના લાંબા ગાળાના આયોજન માટે પ્લાનિંગ કરાશે. સાથે જ રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડસ્ટ્રીયલ સ્ટડી ટુરનું પણ આયોજન કરવામાં આવશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login