સંયુક્ત આરબ અમીરાતના દુબઈથી 303 મુસાફરોને લઈ જતું ચાર્ટર પ્લેન ગુરુવારે પેરિસથી 150 કિલોમીટર પૂર્વમાં વાત્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની શંકાના આધારે ઉભું રાખી દેવામાં આવ્યું હતું. પ્લેનને ચાર દિવસ સુધી રોકી રાખવામાં આવ્યું હતું. 276 મુસાફરોને લઈને ચાર દિવસ સુધી ફ્રાન્સમાં રોકાયેલું ચાર્ટર પ્લેન આખરે મંગળવારે વહેલી સવારે મુંબઈ પહોંચ્યું હતું.
મુસાફરોને લઇને જહાજ મુંબઇ પરત ફરતા જ મોટો ખુલાસો થયો છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી માટે ગયેલા આ જહાજના પ્રવાસીઓમાં 21 પ્રવાસીઓ ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. આ પેસેન્જર્સ ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને આણંદના હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એક્શનમાં આવેલી સીઆઇડી ક્રાઇમ દ્વારા વિઝા રેકેટ મામલે રચાયેલી સીટના અધિકારીઓને એજન્ટોના નામ પણ મળ્યા છે. ફ્રાન્સની એજન્સીઓની તપાસમાં દિલ્હીના શશિ રેડ્ડી અને ગુજરાતના કિરણ પટેલ તથા રાજુ સરપંચના નામ ખુલ્યા હતા. અગાઉ આ ફ્લાઇટમાં 96 ગુજરાતીઓ હોવાનો દાવો થયો હતો.
દુબઇથી આ રીતે ફ્લાઇટ્સ ઉપડીને ફ્રાન્સ અને ત્યાંથી મેક્સિકો થઇ પેસેન્જર્સને અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરાવવામાં આવતી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. આ રીતે શશિ રેડ્ડીએ પાંચ ટ્રિપ્સ અગાઉ પણ મારી હોવાનું તેમજ આવી વધુ ટ્રિપ્સનું આયોજન હોવાનું સામે આવ્યું છે. જો કે, ફ્રાન્સની કોર્ટમાં ફ્લાઇટમાં રહેલા 303 પેસેન્જર્સને રજૂ કરાયા બાદ તેઓને ડિપોર્ટ કરવાની સૂચનાને આધારે તમામ પ્રવાસીઓને દુબઇ મોકલાયા હતા અને ત્યાંથી તેમને મુંબઇ પરત લવાયા હતા.
અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરાવતા એજન્ટો શશિ રેડ્ડી, કિરણ પટેલ અને રાજુ સરપંચ સહિતના તમામ લોકો હાલ ફરાર થઇ ગયા છે. પોલીસ દ્વારા આરોપીઓ પર નજર રાખવા માટે સંપર્કોનો ઉપયોગ થઇ રહ્યો છે. કિરણ પટેલ અને રાજુ સરપંચના અમદાવાદમાં સબ એજન્ટ્સ હોવાની વિગતો પોલીસને મળી છે. ખાસ કરીને નારણપુરા, સાયન્સ સિટી અને ઘાટલોડિયા વિસ્તારમાં કિરણના સંપર્કો વધુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ રાજુ સરપંચ છેલ્લા કેટલાક સમયથી કિરણનો ભાગીદાર હોવાની વિગતો મળી છે. કિરણ અને તેની ટોળકી છેલ્લાં 20 વર્ષથી પણ વધુ સમયથી વિઝા રેકેટ ચલાવતી હોવાનું મનાઇ રહ્યું છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login